4 August 2019

નવસારીમાં રાજમાર્ગો અને આંતરિક રસ્તા બન્યા બિસ્માર


નવસારીમાં ચોમાસા દરમ્યાન શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને આંતરીક રસ્તાઓ વરસાદમાં ધોવાઈને બિસ્માર બનતા વાહન ચાલકો મટે જાણે કે જીવલેણ અકસ્માતને ખુલ્લુ નિમંત્રણ આપી રહ્યા છે. ભરચોમાસે શહેરના રાજમાર્ગો અત્યંત જર્જરીત બનતા ટ્રાફિક જામ સર્જાતા લોકોમાં રોષ જોવા મળે છે.

નવસારી શહેરમાં ચોમાસાન શરૂઆત સાથે શહેરના વિવિધ રાજમાર્ગો તેમજ આંતરીક માર્ગો બિસ્માર બન્યા છે. છેલ્લા ચાર દિવસથી વરસેલા વરસાદ  વચ્ચે શહેરના વિવિધ મુખ્ય માર્ગો વરસાદમાં ધોવાઈને બિસ્માર બનતા વાહનચાલકો અને રાહદારીઓ સામે જીવલેણ અકસ્માતને ખુલ્લું નિમંત્રણ મળી રહ્યું છે. નવસારીના પ્રવેશ દ્વાર સમાન ટાટા સ્કૂલની ઝવેરી સડક જુનાથાણા જતો મુખ્ય માર્ગ ઠેર ઠેર ખાડા ટેકરાઓથી બિસ્માર બન્યો છે.

નવસારી એસટી ડેપો ચાર પુલનો મુખ્ય માર્ગ ચંદ્રની સપાટીને પણ વિસરાવી દે તે રીતે ઠેર ઠેર ખાડા ટેકરાથી બિસ્માર બન્યો છે. તેમજ લુન્સીકુઈની ચારપુલ જતો રસ્તો, દરગાહ રોડ, શહીદ ચોક, કડીયાવણ અને દુધીયા તળાવથી છાપરા જતો રસ્તો વરસાદમાં ધોવાઈ જતા બિસ્માર બન્યો છે. નવસારી ચાંદની ચોકથી ગોલવાડ જતો મુખ્ય માર્ગ ઉપર પડેલા મસમોટા ખાડા ટેકરાથી જીવલેણ અકસ્માતની ભીતી જોવા મળે છે. નવસારીમાં ફુવારા ગાંધી પ્રતિમાથી દાંડી વાડ જતો મુખ્ય માર્ગ ઠેર ઠેર બેસી જતાં બિસ્માર બન્યો છે.

આ ઉપરાંત ટાટા ગર્લ્સ હાઇસક્લૂથી તરોટા બજાર ગોલવાડ જતો માર્ગ પણ ઠેર ઠેર ખાડા ટેકરાથી બિસ્માર બનતા વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. દશેરા ટેકરી અને ટાવર પાસે રસ્તામાં ભૂવો પડયા છે. નવસારી હાઇસ્કૂલ દેવેશ્વર મહાદેવ મંદિર સામેનો રસ્તો બિસ્માર બન્યો છે. તેમજ સયાજી લાઇબ્રેરી ત્રણ રસ્તા પાસે રસ્તો ધોવાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

શહેરમાં વિવિધ રાજમાર્ગો અને આંતરીક માર્ગો વરસાદમાં ધોવાઈ જતાં વાહનચાલકો રાહદારીઓમાં રોષ જોવા મળે છે. નવસારી નગરપાલિકા દ્વારા શહેરના તમામ જર્જરીત માર્ગોની તાકીદે મરામત કરે તેવી લોકોની માંગણી સાથે રોષ જોવા મળે છે.