5 August 2019

નવસારીમાં પૂર્ણાના પાણી પ્રવેશતાં 2825 લોકોને સ્થળાંતર કરાવાયું


નવસારીથી પસાર થતા પૂર્ણા નદીમાં રવિવારે સવારથી ઘોડાપૂર આવતા શહેરના નદીને લાગુ અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળતા 565 કુટુંબોના 2825 લોકોને સ્કૂલ સહિત સલામત સ્થળે સ્થળાંતર કરાવાયું હતું.

પૂર્ણા નદીની સપાટીમાં ગત રાત્રિથી ક્રમશ: વધારો થયો હતો, જે રવિવારે 10 વાગ્યે 23 ફૂટ (ભયજનક 23 ફૂટ)ની સપાટી વટાવી દીધી હતી. આ સપાટી બપોર બાદ 4 વાગ્યે તો 26 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી. ભયજનક સપાટી વટાવતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. આ અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને શાળા સહિતના સલામત સ્થળે ખસેડાયા હતા. 565 કુટુંબોના 2825 લોકોને શહેરમાં સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. આ અસરગ્રસ્તોને પાલિકા તંત્રએ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.

આ વિસ્તારો ખાલી કરાવી સ્થળાંતર કરાયા
દાંડીવાડ માતા ફળિયા, રેલરાહત કોલોની, કાશીવાડી, બાપુનગર ઝૂંપડપટ્ટી, ગધેવાન, રંગુનવાલનગર, પ્રકાશ ટોકીઝ વિસ્તાર, શેઠજી વકીલનીચાલ, જલાલપોર વ્રજભૂમિ એપાર્ટમેન્ટ, શાંતાદેવી રોડ, ભેંસતખાડા, સરસ્વતિ મંદિર વિસ્તાર, ઓવાઈ ફળિયું જલાલપોર, બંધ ફળિયુ જલાલપોર, રૂસ્તમવાડી, બાલાપીર, નવો મહોલ્લો.

કાછીયાવાડીના 236 જણાં ફસાયા અને પાલિકાની ફાયર ટીમે બચાવ્યા
પૂર્ણા નદીમાં પાણીની સપાટી વધી જઈ પૂરના પાણી નવસારીને અડીને આવેલા કાછીયાવાડીમાં વહેલી સવારે ફરી વળ્યા હતા. ચારેબાજુથી પાણી ફરી વળતા કાછીયાવાડીના 236 જેટલા આદિવાસી લોકો ફસાઈ ગયા હતા. આ લોકોને બચાવવા નવસારી પાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ટીમે અસરગ્રસ્તોને લાઈફ જેકેટ પહેરાવી કમર સુધીના પાણીમાંથી બહાર કાઢ્યા હતા.