6 August 2019

નવસારીમાં પૂરના પાણીમાં બે મુસ્લિમ યુવક તણાયા, 1નું મોત


નવસારીના નવીનગર વિસ્તારમાં પૂર્ણાના પૂરના પાણીમાં મદરેસાના બે યુવાનો તણાયા હતા. જેમાંથી એક યુવાનનું મૃત્યુ થયું હતું. જ્યારે બીજો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

નવસારી નજીકથી પસાર થતી પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા નદીના પૂરના પાણી નવસારી શહેરના નદીને લાગુ અનેક નિચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેમાં એક વિસ્તાર રંગુનનગર નજીકનો નવીનનગર પણ છે.

મળતી માહિતી મુજબ નવીનનગર નજીક આવેલા મદરેસામાં ઉસ્તાદ તરીકે કાર્યરત બે જણાં ગુલામ મુર્તઝા ગુલામ મુસ્તુફા (ઉ.વ. 28) તથા ગુલામ મહમદ મકબૂલભાઈ (ઉ.વ. 25) રવિવારે મોડી સાંજે મદરેસામાંથી ચા-નાસ્તો લેવા ગયા હતા ત્યારે આ બંને યુવાનો નવીનનગર નજીક જ ભરાયેલા પૂરના પાણીમાં તણાઈ ગયા હતા.

બે જણાં તણાઈ ગયાની જાણ નવસારી પાલિકાના ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરના તરવૈયાએ બંનેને બહાર કાઢી વિરાવળની યશફીન હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ગુલામ મુર્તુઝાગુલામ મુસ્તુફાનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામનાર ગુલામ મુર્તુઝા સુરત સલાબતપુરાનો મૂળત: રહીશ હતો. તે પરીણિત હતો અને એક સંતાન પણ છે. યશફીનમાં સારવાર લેતો ગુલામ મહંમદ મકબૂલ ભરૂચ જિલ્લાના હળદરનો વતની છે. ગુલામ મુર્તુઝાના પિતા સાઉદી અરેબીયામાં હજ પઢવા ગયા છેં.