7 August 2019

સંભવિત ફૂડ પોઈઝનિંગથી પૂરમાં રત્નકલાકારનું મોત


નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં આવેલા રામદેવ જેમ્સ નામના હીરાના કારખાનામાં પુરના પાણીના કારણે ફસાયેલા ચાર રત્ન કલાકાર પૈકી એક રત્નકલાકારનું શંકાસ્પદ હાલતમાં મોત નીપજતાં શહેરમાં ચકચાર મચી જવા પામી છે. જ્યારે અન્ય ત્રણ બેભાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા. નવસારી જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાની નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વિરાવળ ગામની હદમાંથી પૂર્ણા નદી પસાર થાય છે. નવસારીમાં પૂરની અસર જોવા મળી હતી.

છેલ્લા 5-6 દિવસથી અવિરત ખાબકેલા વરસાદને પગલે પૂર્ણાંનદી ભયજનક સપાટી પાર કરતા ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા બે હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમજ પૂરથી જનજીવન પર અસર થઈ હતી. એનડીઆરએફ દ્વારા બચાવ કામગીરી સાથે પૂરમાં ફસાયેલા લોકોને જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડી હતી પરંતુ શાંતાદેવી રોડ વિસ્તારમાં જેમ્સ નામના હીરાના કારખાનામાં પૂરના પાણીમાં ચાર રત્નકલાકાર ફસાયા હતા. જેમાં મહેશ બુહાનું શંકાસ્પદ મોત નિપજ્યું છે અને ત્રણ રત્નકલાકારોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

મૃતદેહને નવસારી સિવિલમાં પોસ્ટ મોર્ટમ કરી માદરે વતન મોકલવાની કામગીરી સ્થાનિક અગ્રણીઓએ કરી હતી. જોકે આ ઘટના અંગેનું રહસ્ય હાલ પણ અકબંધ છે, કારણ કે ચાર રત્નકલાકારો પૈકી એકનું મોત થયું છે તો અન્ય ત્રણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હાલ આ ઘટના અંગે નું સાચું કારણ જાણવા મળતું નથી પરંતુ ફૂડ પોઇઝનિંગને કારણે આ ઘટના ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં રત્નકલાકારો હોસ્પિટલ પહોંચ્યા હતા.

રત્નકલાકારોને જોવા જતા ઘટના સામે આવી
રત્નકલાકારો કંપનીમાં જ સુતા હતા. આજે પાણી ઓસરતા હું કંપની ઉપર ગયો હતો અને પહેલા માળે પહોંચી રૂમમાં સુતેલા ચારેયને બબોલાવવા દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઇએ દરવાજો ખોલ્યો નહતો. બીજી ચાવી લાવી દરવાજો ખોલતા અંદર ચારેય જણા બેભાન પડ્યા હતા. - ફર્સ્ટ પર્સન હિતેશભાઈ બુહા, વેપારી

મૃતક રત્નકલાકારના વીસેરા લેવાયા છે
ડોકટર સાથે વાતચીત થતા તેમણે હાલ ફૂડ પોઇઝીનિંગની શકયતા દર્શાવી છે. જોકે વીસેરા પણ લેવામાં આવ્યા છે.તેના પરથી રત્નકલાકારનું મોતનું સાચું કારણ જાણી શકાશે. - મનોજભાઈ, હે.કો. તપાસ અધિકારી