8 August 2019

નવસારીમાં 3 અકસ્માતમાં મહિલા સહિત 4નાં મોત


બાઇકચાલક અચાનક રોડ ક્રોસ કરવા જતાં અકસ્માત : મરોલી વિસ્તારમાં કરાંખટ ગામમાં પટેલ ફળિયામાં રહેતા નરેન્દ્ર રમણભાઈ પટેલ ખેતીકામ કરતો હતો. આજે તે બાઈક (નં. GJ-21-AD-7640) લઈ સવારે કોઈ કારણોસર પરુજણ ગામે ગયો હતો. જ્યાંથી પરત કરાંખટ જઈ રહ્યો હતો. એ સમયે પરૂજણથી કરાંખટ જવા માટે ઉભરાટ રોડ ક્રોસ કરી રહ્યો હતો એ સમયે ઉભરાટ તરફથી આવતી દીવાદાંડી એસટી બસ (નં. GJ-18-Y-9422)ના ચાલકે બાઈક ચાલક નરેન્દ્રને ટક્કર મારી હતી.

જેને પગલે તે રોડ પર પટકાતા તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બસનો ચાલક નાઝીરખાન પોલીસ સ્ટેશને હાજર થઈ ગયો હતો. બસચાલકના કહ્યા મુજબ બસ લઇ દીવાદાંડીથી નવસારી જઈ રહ્યો હતો. એ સમયે કરાંખટ પાસે કોઈ પેસેન્જર ન હોવાથી બસ ઉભી રાખી ન હતી. એ સમયે અચાનક પરૂજણ તરફથી આવતી બાઈકના ચાલકે આજુ બાજુ જોયા વગર રોડ ક્રોસ કરતા બસ સાથે અથડાયો હતો.

પાર્લરનું કામ કરતી મહિલાને હાઇવે પર અકસ્માત : બીજી ઘટનામાં વેસ્મા ખાતે રહેતી એકતા નીરજ ચૌરસિયા (ઉ.વ. 25) નવસારીમાં બ્યુટી પાર્લરનું કામ કરે છે. તેણીએ હમણાંજ નવી મોપેડ લીધી હતી. તેણી મોપેડ પર આજે સાંજે નવસારીથી વેસ્મા પરત આવતી હતી. એ સમયે નાઝ હોટલ પાસે અજાણ્યા ટેમ્પોચાલકે પૂરઝડપે ટેમ્પો હંકારી તેની બાઈકને ટક્કર મારતા એકતા મોપેડ પરથી રોડ પર પટકાઈ હતી. એકતા રોડ પર પટકાતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બે યુવકની બાઇક હાઇવેના ડિવાઇડર બાદ દિવાલમાં અથડાઇ : બે યુવકો બપોરના સુમારે બાઈક (નં. GJ-21-BX-1156) ઉપર પલસાણા થઈ નવસારી આવી રહ્યા હતા. એ દરમિયાન બાઈક પૂરઝડપે ચલાવતા વેસ્મા ઓવરબ્રિજ પાસે ડિવાઇડર સાથે અથડાવી દીધી હતી. બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈક પર સવારો ફંગોળાઈને દૂર પડ્યા હતા. આ અકસ્માતમાં ગોપાલ સોરેન (ઉ.વ.આ. 21) અને અન્ય એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.