9 August 2019

નવસારીના ઝવેરી સડકનો ખાડા વિસ્તાર પાણી ઓસર્યાના 50 કલાકે પણ 'પૂરગ્રસ્ત'


નવસારીના ઝવેરીસડકની ઉત્તરે આવેલા ખાડા વિસ્તાર (જ્યાં મોટો ખાડો છે અને પાણી ભરાતા તળાવ બને છે)માં ગુરૂવારે બપોર બાદ પણ પૂરના પાણીનું તળાવ ભરાયેલું જોવા મળે છે. પાલિકા ભરાયેલા પૂરના પાણીનો નિકાલ કરી શકી ન હતી.

અહીં ઉલ્લેખનીય છે કે, આ ખાડા વિસ્તારમાં 15થી વધુ કુટુંબોના 40થી 50 જણા રહે છે. તેમની હાલ છેલ્લા 5 દિવસથી 'બદથી બદતર' થઈ ગઈ છે. પૂરના પાણીમાં ખેંચાઈ આવેલો કચરા અને ગંદકીના ઢગલે ઢગલા હજુ પણ જોવા મળે છે. રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત છે. કેટલાક ઘરમાં પાણી ઉતરી ગયા છે, એક-બે ઘરમાં હજુ પણ પાણી છે.

કેટલાક ઘરના લોકો હજુ પણ પાણી ભરાવાથી નીકળી શકતા નથી. પાલિકા પાણી કાઢવા પંપિંગ કરે છે પરંતુ પાણીનો નિકાલ થઈ શક્યો નથી. આ વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. જો ગંદકી સાફ ન થાય તો આ વિસ્તારમાં રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય રહેલો છે. વહેલી તકે આ વિસ્તારમાં સફાઇ કરવામાં આવે તે જરૂરી છે.

અગાઉ પણ પૂરના પાણી ભરાયા હતા
ઝવેરી સડકના ખાડા વિસ્તારમાં પ્રથમ વખત જ પૂરના પાણી ભરાયા નથી, અગાઉ પણ પૂર્ણામાં પૂર આવતા તેના પાણી ભરાયા હતા અને જલદી નિકાલ કરાયો ન હતો. પાલિકાએ કાયમી ઉકેલ માટે વિચારવું જોઈએ.

પાલિકામાં તો મારો ઝઘડો પણ થયો
ખાડા વિસ્તારના લોકોની સ્થિતિ ખરાબ છે એ વાત બિલકુલ સચી છે. આ માટે તો મેં પાલિકામાં કામગીરી કરવા રજૂઆતો કરતા અધિકારીઓ સાથે 'ઝઘડો' પણ થયો હતો. પાલિકા તંત્રએ આ વિસ્તારમાં પૂરની કામગીરી કરી નથી. - પ્રભાબેન વલસાડીયા, સ્થાનિક કોંગી કાઉન્સિલર, નવસારી પાલિકા

ફૂડપેકેટ પણ પહોંચ્યા નથી
અમારી મુશ્કેલી જાણવા કોઈ આવ્યુ નથી. પૂરના દિવસોમાં ફૂડપેકેટ પણ પહોંચ્યા નથી. અમારા ઘરમાં પાણી આવ્યા અને અમે ઘરની બહાર બેસી રહ્યા હતા. હજુ પાણીનો નિકાલ કરાયો નથી. - જયેશ મનુ ખુમાર, અસરગ્રસ્ત, ખાડા વિસ્તાર

ખાડા વિસ્તારમાં એક ઘર બહાર મૃતદેહ મળી આવ્યો, કારણ અકબંધ
ખાડા વિસ્તારમાં એક આદિવાસી યુવકનું મૃત્યુ પણ થયું છે. મળતી માહિતી મુજબ આજે ગુરૂવારે બપોરે રેલરાહતની કામગીરી કરવા કર્મચારીઓ ખાડા વિસ્તારમાં આવ્યા હતા ત્યારે એક ઘરની આગળ પાણીમાં એક શખ્સની લાશ મળી હતી. મૃતક શખ્સનું નામ રમેશ રમણભાઈ રાઠોડ અને તેની લાશ તેના જ ઘરની સામે મળી આવી હતી. મૃતકનું મોત ચોક્કસ કઈ રીતે થયું તે જાણી શકાયું નથી.

તંત્ર સાફસફાઈ માટે આવ્યું નથી
અમારા વિસ્તારમાં પૂરના પાણી સાથે કચરો ખેંચાઈ આવ્યો છે. અમે કેટલાક કચરાનો તો નિકાલ કર્યો છે. પલિકાને જાણ કરવા છતાં સાફસફાઈ માટે કઈ આવ્યું નથી. હજુ ય ઘણો કચરો છે. - રોહિત ચારણીયા, અસરગ્રસ્ત

રાહત ક્યાં?
બે દિવસ વીત્યા છતાં પૂરના પાણીનું તળાવ યથાવત, પૂરનો કચરો જ્યાં ને ત્યાં રહેતા લોકોને મુશ્કેલી