11 August 2019

ભારે પવન ફૂંકાતાં અનેક વૃક્ષ ધરાશય, વીજસેવા વાહનવ્યવહારને અસર, અનેક ઘરનાં પતરાં ઊડ્યાં


નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વસ્યો હતો. દાંડીવાડ ખાતે એક ઘરની દિવાલ ધરાશાય થતા હજારો રૂપિયાનું નુકસાન થયું હતું. જેના કારણે કાલિયાવાડી જતા રોડ પર એક વૃક્ષ મુળીયામાંથી ઉખડી ગયાની વિગતો પણ મળી છે.

જ્યારે વિજલપોર ખાતે ચંદનવન પાસે માર્ગ ઉપર વૃક્ષ તૂટી પડ્યું હતું. ગણદેવી તાલુકામાં પણ ઠેર ઠેર વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાય થવાના બનાવો બન્યા હતા. જેમાં વીજ કંપનીને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું. જ્યારે બીલીમોરા-ગણદેવી માર્ગ પર વસાણીયા મિલની બાજુમાં ત્રણ મકાનોને પતરા ઉડી ગયા હતા.

નવસારીમાં ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં અઢી ઈંચ સરેરાશ વરસાદ નોંધાયો હતો. નવસારીમાં શનિવારે આખો દિવસ પવન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો, જેને કારણે કાલિયાવાડી નજીક એક વૃક્ષ મુળિયા સહિત ઉખડી ગયું હતું. જોકે ત્યાં કોઈ રહેતું ન હોય જાનહાનિ ટળી હતી.

જ્યારે આજે સવારે દાંડીવાડ ખાતે રહેતા પ્રવિણ છીબુભાઈ રાઠોડના ઘરની દીવાલ તૂટી પડી હોવાની માહિતી મળી હતી. ઘરમાં કમ્પ્યૂટર, ટીવી સહિત સામાન મળી હજારો રૂપિયાનું તેમને નુકસાન થયું હતું. આ દિવાલ ધરાશાય થતા તેની નીચે બે બાઈક દબાઈ ગઈ હતી. આ ઘટનાની જાણ સ્થાનિક નગરસેવક પ્રભા નરેશ વાંસદીયા અને અન્ય નગરસેવકોને થતા ઘટનાસ્થળે ધસી ગયા હતા અને પરિસ્થિતિનો અંદાજ મેળવ્યો હતો.

વિજલપોરના ચંદનવન, શિવાજીચોક, ઈંટાળવાના ચર્ચ પાસે, દાંડીવાડમાં વૃક્ષ ધરાશાય થયા હતા. વિજલપોરના મંકોડીયા વિસ્તારમાં રાત્રિના 3 વાગ્યેથી વીજળી ડુલ થતા લોકોએ મુશ્કેલી વેઠવી પડી હતી. ભારે પવનને કારણે નવસારીના મધ્યમાં આવેલ સાંઢકુવા ખાતે મસમોટું હોર્ડિંગ્સ તૂટીને વીજ થાંભલા પર પડ્યું હતું.

ગણદેવી તાલુકામાં વીજ કંપનીને લાખોનું નુકસાન
ગણદેવી તાલુકામાં વરસાદી મહેર યથાવત રહેવા પામી છે. ધીમીધારે વરસાદ સાથે 12.1 કિ.મીની ઝડપે પવન ફૂંકાતા અનેક જગ્યાએ પવનને કારણે નુકશાની પહોંચવા પામી હતી. જેમાં ભારે પવનને કારણે ગણદેવી વીજ કચેરી અંતર્ગત આવતા માણેકપોર ગામે બે વીજપોલ, વડસાંગળ ગામે વૃક્ષ પડ્યું હતું. ડુંગરી ફળિયામાં વીજ ડીપી અને નહેર પાસે બે વીજપોલ ધરાશાયી થયા હતા.

દેવધા, અજરાઈ, હથિયાવાડી, વાડી વેડછા પશ્ચિમો, કછોલીમાં પણ વીજ તાર તૂટયા હતા. જ્યારે મેંધરમાં વીજપોલ ધરાશાયી થયો હતો. આંતલિયા વીજ કચેરી વિસ્તારમાં રાઘવ ફળિયા સહિત ઉંડાચમાં બે વૃક્ષ, બીગરી, પોંસરી અને નાંદરખામાં વૃક્ષ પડતા વીજ તાર તૂટ્યા હતા. નાંદરખામાં 3 વીજપોલ ભારે વરસાદને પગલે ધરાશાયી થયા હતા.

આ ઉપરાંત ગણદેવી કસ્બાવાડી નેરોગેજ ફાટક નંબર 8 પાસે રેલવે ટ્રેક ઉપર તોતિંગ વૃક્ષ તૂટી પડયું હતું. બીલીમોરા ગૌહરબાગના ગૌરવપથ ઉપર વૃક્ષ પડતા થોડા સમય માટે ટ્રાફિક પ્રભાવિત થયો હતો. જ્યારે ગણદેવી નવસારી મુખ્ય માર્ગો પર નવાગામ પાસે નીલગીરી તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો.

ભારે પવનને પગલે અનેક જગ્યાએ તાર તૂટી પડવાની સાથે વિજપોલ ધરાશાયી થતાં વીજ કંપનીઓને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું. જેની નુક્સાનીનો ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે. ભારે પવન ફૂંકાતા બીલીમોરા ગણદેવી માર્ગ ઉપર વાસણીયા મીલની બાજુમાં રહેતા જગદીશ વલ્લભ પટેલ, ડાહ્યા વલ્લભ પટેલ અને ભાવેશ વલ્લભ પટેલના ત્રણ મકાનો ઉપર લગાવેલા પતરામાંથી 50 જેટલાં પતરાં શનિવારે સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં ભારે પવનને પગલે હવામાં ઉડયા હતા. જેને કારણે આ ત્રણ પરિવારોને હજારોનુંં નુકસાન થયું હતું.