12 August 2019

ઉકાઈ ડેમ 3 વર્ષે ઓવર ફ્લો : નવસારીને રોજ જરૂરી 46 MLD પાણી મળવાની આશા


છેલ્લા એક વર્ષથી અડધોઅડધ પાણીકાપ ભોગવતા નવસારીના શહેરીજનોને હાલ ઉકાઈ ડેમની સપાટી 335 ફૂટને વટાવી જતા આગામી વર્ષમાં પૂરતું પાણી મળી શકે એવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં 46 એમએલડી સાથે રોજ બે ટાઇમ સપ્લાય મળતો હતો. જો કે, છેલ્લા કેટલાક માસથી આ સપલ્ાય ઘટીને 27 એમએલડી મળતાં પાણી પુરવઠો એક જ ટાઇમ મળતો હતો. જો કે, ડેમમાં પાણીની સપાટી ગત વર્ષ કરતા લગભગ 17 ફૂટ વધારે હોવાથી આ વર્ષે પાણી સમસ્યા નહીં સર્જાય તેવી આશા છે.

શહેરની મધુર જળ યોજના ઉકાઈ-કાકરાપાર ડેમ આધારિત છે. ઉકાઈ ડેમનું પાણી નહેર વાટે શહેરના તળાવોમાં ઠલવાઈ ફિલ્ટર કરી અહીંની નગરપાલિકા શહેરીજનોને શુદ્ધ પાણી આપે છે. આમ તો ભૂતકાળમાં ઉકાઈ ડેમ વરસાદી પાણીથી પૂરતો ભરાતા નવસારી અહીંની પાલિકા રોજ બે ટાઈમ પાણી આપતી હતી પરંતુ ગત વર્ષે ઉકાઈ ડેમ 319 ફૂટ જ અપૂરતો ભરાતા સ્થિતિ બદલાઈ હતી.

છેલ્લા વર્ષ દરમિયાન ઉકાઈ ડેમમાંથી પૂરતું પાણી ન મળતા નવસારી પાલિકાએ શહેરમાં રોજિંદા અપાતા પાણી પુરવઠામાં કાપ મુકી બે ટાઈમની જગ્યાએ એક જ ટાઈમ પાણી આપી રહી છે. જોકે, હવે સ્થિતિ બદલાઈ છે. હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં ડેમની સપાટી 335 ફૂટને વટાવી ગઈ છે. જેથી પાણીનો ભરપૂર સંગ્રહ થયો છે.

આ સ્થિતિમાં ડેમમાંથી નવસારીને પાણી યોજના માટે ભૂતકાળની જેમ પૂરતુ પાણી મળી શકવાની સ્થિતિ છે. હાલ છેલ્લા એક વર્ષથી મુકાયેલો પાણીકાપ પૂરો નહીં તો અંશત: હળવો થઈ શકે એમ છે. આમ, ઉકાઈ ડેમમાં વધેલા પાણીનો જથ્થો અહીંના નવસારી શહેર માટે પણ સારા સમાચાર લાવ્યો છે.

તળાવ છલોછલ છતાં હજુ પાણીકાપ રહેશે
વર્તમાન ચોમાસાના વરસાદે નવસારીના તળાવોની સ્થિતિ પણ સુધારી છે. શહેરનું મધુર જળયોજનાનું દુધિયા તળાવ હાલ છલોછલ ભરાયેલું જોવા મળે છે. આમ છતાં હજુ પણ શહેરમાં પાણીકાપ જારી છે અને દરરોજ એક ટાઈમ જ પાણી અપાય છે. આગામી સમય માટેનું નહેરનું રોટેશન હજુ જાહેર કરાયું નથી.

વિજલપોરને પણ લાભ થવાની શક્યતા
નવસારીને અડીને આવેલા વિજલપોર શહેરમાં આજદિન સુધી 'બોર' આધારિત પાણીની યોજના ચાલી રહી છે. જોકે હવે ત્યાં પણ નહેરના (ડેમના) પાણી આધારિત મધુર જળ યોજના તૈયાર થઈ ગઈ છે. જ્યાં ડેમનું પાણી જ શુદ્ધ કરી શહેરીજનોને અપાનાર છે. જેથી ડેમમાં પાણી વધતા તેનો ફાયદો વિજલપોર શહેરને પણ થશે.

હાલ તો સ્થિતિ સુધરવાની આશા બંધાઈ છે
ઉકાઈ ડેમમાંથી અપૂરતુ પાણી મળતા નવસારીમાં 'પાણીકાપ' મુકાયો હતો (છે), જોકે હવે ડેમ ભરાતા પાણીની સ્થિતિ સુધરવાની નવી આશા જરૂર ઉભી થઈ છે. જોકે આ અંગે ઈરિગેશન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી નિર્ણય આગામી દિવસો અંગે કરી શકાશે. - ત્રિભોવન ચાવડા, ચેરમેન, પાણી સમિતિ, નગરપાલિકા

'પાણીકાપ'માં પુનર્વિચાર કરવો જોઈએ
પાલિકાના શાસકો ઉકાઈ ડેમમાં પૂરતું પાણી ન હોવાથી નવસારીમાં પાણીની સમસ્યા સર્જાયા સર્જાઈ હોવાનું જણાવી રહ્યા છે ત્યારે હવે ડેમ ભરાઈ જતા 'પાણીકાપ' અંગે પાલિકાએ પુર્નવિચાર કરી શહેરીજનોને બે ટાઈમ પાણી આપવું જોઈએ. - પિયુષ ઢીમ્મર, કાઉન્સિલર, નગરપાલિકા