13 August 2019

નવસારીમાં અલગ અલગ બનાવોમાં બે મહિલાઓનો ફાંસો ખાઈ આપઘાત


નવસારી પંથકમાં બે અલગ અલગ ગામે બે મહિલાઓએ ફાંસો ખાઈને જીવતર ટૂંકાવ્યું હતું. જેમાં ઇટાળવા ગામે રહેતી પરિણીતા અને જલાલપોર તાલુકાનાં કનેરા ગામે રહેતી યુવતીએ ઘરે જ ફાંસો ખાઈને જીવતર ટૂંકાવ્યું હતું. બંને ઘટનાઓ અંગે પોલીસ અસમંજસમાં છે. કારણ કે બંને ઘટનાઓમાં આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. નવસારી પંથકમાં બે મહિલાઓએ અગમ્ય કારણસર ઘરે એકલી હતી ત્યારે ફાંસો ખાધાની ઘટના બની છે. જેમાં ઈંટાળવા ગામનાં ચોકી ફળિયા ખાતે રહેતી જયશ્રીબેન હળપતિએ રવિવારે સવારે 6 વાગ્યાના અરસામાં ઘરે એકલી હતી.

એ સમયે કોઈ અગમ્ય કારણસર જયશ્રીબેને છત સાથે સાડીનો છેડો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ આઠ વાગ્યે તેમના સ્વજનોને થઇ હતી.

બીજા બનાવમાં જલાલપોર તાલુકાનાં પનાર ગામે બકુલ પટેલની પુત્રી દિવ્યા (23) એ રવિવારે બપોરના અરસામાં ઘરમાં પ્રથમ માળે આવેલા બેડરૂમમાં એકલી હતી. તેણીએ કોઈ અગમ્ય કારણસર એંગલના હુકમાં દુપટ્ટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ તેના પિતા અને સ્વજનોને થતા તેણીને સારવાર માટે મંદિર ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. જ્યાંથી નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી.