3 August 2019

જમાલપોરમાં આવેલા આઇસક્રીમ પાર્લરમાંથી 88 હજારની મતા ચોરાઇ


નવસારીનાં જમાલપોર ખાતે આવેલી આઈસ્ક્રિમની દુકાનનું રાત્રિના સમયે ચોરટાઓએ તાળું તોડીને ગલ્લામાં મુકેલા રોકડા રૂ. 68 હજાર અને બે આઈસ્ક્રીમ બનાવવાના મશીન મળી કુલ રૂ. 88 હજારની ચોરી ગયા હતા.

ગ્રામ્ય પોલીસ વિસ્તારમાં ગત 28મી જુલાઈએ વેસ્મા ગામે પરિવારને બંધક બનાવીને લાખો રૂપિયાની લૂંટ કરી ગયા બાદ ગ્રામ્ય પોલીસ સઘન પેટ્રોલિંગ બનાવવા છતાં જમાલપોર ગામે આવેલી આઈસ્ક્રિમની દુકાનનું તાળું તૂટ્યું હતું. ઇંટાળવાનાં વિશાલનગર રહેતા દિનેશ ગોરધન ગુજ્જરની જમાલપોર ખાતે શ્રીનાથ આઈસ્ક્રિમની દુકાન છે. તેમણે 31મી જુલાઈએ રાત્રિના 11 વાગ્યે દુકાન બંધ કરી હતી.

તેમણે બીજા દિવસે સવારે દુકાન ખોલવા આવ્યા ત્યારે દુકાનનું શટરને મારેલુ તાળુ તૂટેલી હાલતમાં જોયું હતું. દુકાન ખોલીને જોતા ગલ્લો તૂટેલી હાલતમાં હતો અને અંદર મુકેલા રૂ. 68 હજાર રોકડા તેમજ આઈસ્ક્રિમ બનાવવાના 2 મશીન રૂ. 20 હજાર જોવા મળ્યા ન હતા. કોઈ ચોર ઈસમે તાળુ તોડીને દુકાનમાં પ્રવેશીને ચોરી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેમણે દુકાનમાં ચોરી થયાની જાણ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે કરી હતી.