3 August 2019

નવસારીમાં ફૂવારા નજીક એક બાજુનો માર્ગ બેસી ગયો, સ્કૂલબસ ફસાઇ ગઇ


નવસારીના ફુવારા વિસ્તાર નજીક રમાબેન હોસ્પિટલ જતો રોડ બેસી ગયો હતો અને ભૂવો પણ પડ્યો હતો. કેટલાક વાહનો સવારે ફસાઈ પણ ગયા હતા.

નવસારીમાં મળસ્કેથી સારો વરસાદ પડી રહ્યો હતો. આ વરસાદની અસર શહેરના માર્ગો ઉપર જોવા મળી હતી. ફુવારા નજીક લક્ષ્મી ટોકીઝથી રમાબેન હોસ્પિટલ થઈ માતા ફળિયા તરફ જતો રોડ સાઈડમાં રીતસર બેસી ગયો હતો. અનેક જગ્યાએ ભૂવા પણ પડ્યા હતા. અચાનક જ સાઈડ ઉપર રોડ બેસી જતા કેટલાક વાહનો ફસાઈ ગયા હતા.

એક શાળાની બસ તથા મારૂતિ કાર ફસાઈ હતી. એક તરફનો રોડ જ બેસી જતા વાહનોની અવરજવરમાં પણ સવારે મુશ્કેલી પડી હતી. માર્ગ બેસી જવાની ખબર પડતા સ્થાનિક કાઉન્સિલર પ્રભાબેન વલસાડીયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા. પાલિકાનો સ્ટાફ પણ પહોંચી ગયો હતો અને બેસી ગયેલા ભાગને પુરાણ કરી ઠીકઠાક કરી દીધો હતો.

મળતી માહિતી મુજબ પાંચેક મહિના અગાઉ આ માર્ગ નીચે વરસાદી ગટરનું કામ કરાયું હતું. લગભગ તેજ જગ્યાએ રોડ બેસી ગયો હતો.