4 August 2019

શાંતાદેવી રોડ પર અગ્રણીની પ્રતિમા પાસેનાં 10 વૃક્ષ કાપી નંખાતાં આક્રોશ


નવસારીના શાંતાદેવીરોડ ખાતે માર્કેટમાં આવેલા સમાજના અગ્રણી મગનભાઇ કાસુન્દ્રાની પ્રતિમા પાસે રોપેલા 10થી વધુ વૃક્ષ કાપી નાંખતા જવાબદારો સામે પગલાં લેવા પર્યાવરણવાદીઓએ પોલીસ અને વનવિભાગને જાણ કરી હતી.

સોમનાથ મહાદેવ મંદિર અને સીતારામ સેવા સંગઠન મંડળના પ્રમુખ ચંદ્રકાંત લીખીયા અને ઉપપ્રમુખ તરીકે કાંતિ ચનીયારા સેવા આપી રહ્યા છે. તેમણે વન વિભાગ અને પોલીસને લેખિતમાં ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યું હતું કે શાકભાજી માર્કેટ પાસે સમાજનાં અગ્રણીની પ્રતિમા છે. તેની ફરતે લીમડાનાં વૃક્ષ વાવ્યા હતા. વૃક્ષને કેટલાક ઈસમોએ કાપી નાંખ્યા હતા. તેમણે વૃક્ષ કાપવા ના પાડી હોવા છતાં 12 પૈકી 10 વૃક્ષ કાપી નાંખ્યા હતા. જવાબદાર સામે કાનૂની પગલાં લેવા જણાવ્યું હતું.

પ્રતિમા પાસે વૃક્ષ નડતરરૂપ ન હતા
વૃક્ષ નડતરરૂપ ન હતા તો પણ કેટલાક લોકોએ કાંપી નાંખ્યા હતા. હાલમાં સરકાર વૃક્ષો રોપવા માટે અપીલ કરે છે ત્યારે વૃક્ષો કાપનારા જવાબદારો સામે પગલાં ન લેતા ઉપવાસ, ધરણા સહિત આશ્ચર્યજનક પગલાં આપીશું. - કાંતિ ચનીયારા, ઉપપ્રમુખ, સીતારામ સેવા સંગઠન મંડળ