7 August 2019

નીચાણવાળા વિસ્તારોમાંથી 50 કલાક બાદ પાણી ઓસર્યાં


લગભગ 50થી 55 કલાક બાદ પૂર્ણા નદીમાં ભયજનક સપાટીથી નીચે પાણી ઉતરતા નવસારીમાં પૂરના પાણી ઓસરવાની મંગળવારે બપોરબાદ શરૂઆત થતા હાશકારો થયો હતો.

નવસારીમાં રવિવારે 9 વાગ્યે પૂર્ણા નદીએ વિરાવળ બ્રિજ સ્થિત ભયજનક સપાટી 23 ફૂટ વટાવી દેતા શહેરના નદીને લાગુ અનેક નિચાણવાળા વિસ્તારોમાં 10 વાગ્યા બાદ પૂરના પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. પૂરના પાણી ઘણાં ઘરોમાં ભરાતા અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરાવવાની કામગીરી પાલિકાએ શરૂ કરી હતી.

લગભગ 2850 લોકો બે દિવસ પોતાનું ઘર છોડી અન્યત્ર સ્થળાંતર હાલતમાં જ રહ્યા હતા. પૂર આવ્યાના 50 કલાક બાદ મંગળવારે 8 વાગ્યા બાદ પૂર્ણા નદી ભયજનક સપાટીથી નીચે ઉતરવાનું શરૂ થયું હતું, જે બપોરે 2 વાગ્યે 20 ફૂટની નીચે જ્યાં ઘણાં વિસ્તારોમાં ભરાયેલા પાણી ઓસરી ગયા હતા.

50 કલાક બાદ નવસારીના અનેક વિસ્તારોમાથી પૂરના પાણી ઓસરવાની શરૂઆત થઈ હતી, સાંજે 7 કલાકે તો પૂર્ણાની સપાટી 17.50 ફૂટે જતા હાશકારો વ્યાપ્યો હતો. સ્થળાંતર કરાયેલા ઘણાં લોકોએ બપોરબાદ પોતાના ઘરે જવાની શરૂઆત કરી હતી.

સાફસફાઈ, દવાનો છંટકાવ કરાયો
નવસારીના નિચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઓસરતા હવે રોગચાળાનો ભય છે. આ સ્થિતિમાં રોગચાળો ફેલાતો અટકાવવા પાલિકાએ પાણી ઓસરતા જ તુરંત જ મોટાપાયે અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફસફાઈ શરૂ કરી દીધી હતી. નવસારી પાલિકા ઉપરાંત વિજલપોર પાલિકાનું તંત્ર પણ આ કામગીરીમાં જોતરાયું હતું. સાફસફાઈની સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય, મેલેરીયા વિભાગે દવાનો છંટકાવ પણ શરૂ કરી દીધો હતો. પાણીનું કલોરીનેશન પણ કરાઈ રહ્યું હતું.