9 August 2019

વિજલપોરના યુવાનની બાઈક પૂર્ણા નદીકાંઠે મળતાં અનેક તર્કવિતર્ક


નવસારીમાં પૂર્ણા નદી કાંઠે વિરાવળ નજીક આવેલી પૂર્ણા નદીના કાંઠે બિનવારસી હાલતમાં મળી આવેલી બાઈકને પગલે કોઈક યુવાને નદીમાં ઝંપલાવ્યું હોવાની વાત વાયુવેગે પ્રસરી ગઈ છે. પોલીસે આ પ્રકરણમાં બાઈકના આધારે યુવાનની ગુમ થયા અંગેની નોંધ લઈ તપાસ હાથ ધરી છે.

વિરાવળની હદમાંથી પસાર થતી પૂર્ણા નદીના કાંઠે અજાણ્યા શખ્સની બાઈક મળી આવતા તેને લઈ અનેક તર્કવિતર્ક શરૂ થઈ ગયા હતા. આ દરમિયાન વિજલપોરના યુવાનની બાઈક હોવાનું જાણ‌વા મળ્યું હતું. ગ્રામ્ય નદી કાંઠે મુકેલી બાઈક (નં. GJ-21-R-6119) અશોક નામના યુવાનની હોવાનું જાણવા મળ્યું છે.

જોકે યુવાન અંગે પોલીસે ગુમ થનાર યુવાનના ભાઈ વિપુલભાઈની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. બાઈક નદી કાંઠે મળી આવતા અને મોડી સાંજ સુધી યુવાન ઘરે નહીં પહોંચતા અનેક તર્કવિતર્ક શરૂ થયા છે. પોલીસે ગુમ થનાર યુવાનના ભાઈની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

અમે જોયું યુવાને પડતું મૂક્યું
અમે જોયું કે એક યુવાન બાઈક લઈને પૂર્ણા નદીમાંથી રેતી કાઢવામાં આવે છે ત્યાં આવ્યો હતો અને બાઈક મૂકીને પગપાળા નદી તરફ ગયો હતો. કંઈ ખોટુ થવાનું છે તેમ લાગતા સ્થાનિક યુવાનો બાઈક લઈને તેની પાછળ ગયા હતા પરંતુ એ પહેલા આ યુવાને પૂર્ણામાં પડતું મુક્યું હતું. નદીમાં પડતુ મુકનાર કોણ છે તે અંગે રહસ્ય અકબંધ છે. - રાજુભાઈ રાઠોડ, સ્થાનિક