11 August 2019

નવસારી જિલ્લામાં વરસાદી માહોલમાં લાખોની નુકસાની


નવસારીમાં વરસાદી માહોલ, ભારે પવનો અને નદીમાં આવેલ પૂરનાં કારણે માલ મિલકત સહિત ખેતીમાં પણ લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ કાઢવામાં આવ્યો છે. વધુમાં જિંગા અને મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

નવસારીમાં 13 મકાન ધરાશય થયાં : નવસારીમાં વરસાદ શરૂ થયાને અત્યાર સુધીમાં જલાલપોર વિસ્તારમાં 2 મકાનોને નુકસાન, કબીલપોર ખાતે પણ 2 મકાનોને, નવસારીના કાશીવાડી વિસ્તારમાં 9 મકાનો તૂટી ગયા હતા.

જિંગા અને મત્સ્યોદ્યોગ
નવસારી જિલ્લામાં જલાલપોર ગણદેવી વિસ્તારમાં આવેલા જિંગાનાં તળાવોમાં પણ પૂરનાં પાણી ભરાતા લાખો રૂપિયાના જિંગા અને મત્સ્યોદ્યોગનાં ધંધાને નુકસાન થયાની માહિતી મળી છે.

રસ્તાઓનું નુકસાન
નવસારી પાલિકામાં 60 લાખનું નુકસાન થયું હતું, જેમાં પાણીની લાઈન, ગટર અને લાઈટ વિભાગને અને વિજલપોર પાલિકામાં 35 લાખનું નુકસાન થયુ હતુ.

નવસારી જિલ્લામાં 400 હેક્ટર ખેતીપાકને નુકસાન
નવસારી જિલ્લામાં પણ વરસાદને કારણે 400 હેક્ટરથી વધુ જમીનમાં પાકને નુકસાન થયાનો અંદાજ છે. જોકે તેનો સર્વે હાલ ચાલુ છે. સરવેની કામગીરી પૂર્ણ થયા બાદ નુકસાનીની યોગ્ય માહિતી મળશે. - અતુલ ગજેરા, અધિકારી, જિલ્લા ખેતીવાડી