12 August 2019

બે યુવકોએ નવસારી-સુરત રોડ પર પડેલા વૃક્ષની ડાળીઓ તોડી રસ્તો ખુલ્લો કર્યો


નવસારીમાં મરોલીના કડોલી અને નવસારીના યુવાનોએ તૂટી પડેલુ વૃક્ષ ખસેડી રોડ ખુલ્લો કરી વાહનચાલકો માટે સગવડ ઊભી કરી હતી. યુવાનોના આ કાર્યની કાંઠા વિસ્તારના લોકોએ પ્રસંશા કરી હતી.

નવસારીમાં 10મી ઓગસ્ટે 12 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે સમગ્ર જિલ્લામાં વૃક્ષો તૂટી પડવાની તેમજ મકાનોને પણ નુકસાન થયાની ઘટના સર્જાઈ હતી. આવી જ એક ઘટના નવસારીના પૂર્ણા નદીનો પુલ પાસે નવસારી-સુરત રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસેના રોડ પર એક મોટું વૃક્ષ ધરાશય થયું હતું. વૃક્ષ ધરાશય થતાં આ રોડ આવાગમન માટે બંધ થયો હતો.

એ સમયે મરોલીના કડોલી ગામનો યુવાન બળવંત મથુરભાઈ પટેલ ત્યાંથી પસાર થતો હતો. તેણે જોયું તો માર્ગની વચ્ચે પડેલા વૃક્ષથી અકસ્માત સર્જાઈ શકે એમ છે. જેથી તેણે આ વૃક્ષની ડાળીઓ તોડી તોડીને એક બાજુનો રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. એક બાજુ વરસાદ અને ઘરે જવાની જલદી હોવા છતાં બળવંત પટેલે હિંમત ન હારી વૃક્ષની ડાળી તોડતા રહ્યા હતા.

એ સમયે ત્યાંથી પસાર થતા નવસારીના ખાટકીવાડ ખાતે રહેતા સમસુદીન અલાઉદ્દીન શેખે બળવંતભાઈને વૃક્ષની ડાળીઓ તોડતા જોયા હતા. જેથી તેઓ પણ બળવંતભાઈ સાથે મળીને એક તરફનો રસ્તો ખુલ્લો થાય તે માટે પ્રયત્નો હાથ ધરી આખરે રસ્તો ખુલ્લો કર્યો હતો. તેમણે આ વૃક્ષ સાથે કોઈ વાહન અથડાઈને નુકસાન ન પામે કે વાહનચાલકો સાથે જીવલેણ ઘટના ન બને એ માટે આ વૃક્ષની તોડેલી ડાળીઓ બંને તરફ થોડા અંતરે મુકી હતી. આમ આ યુવાનોના આ કાર્યને સૌ કોઈ બિરદાવી રહ્યા હતા.