12 August 2019

નવસારીમાં 1500થી વધુ દશામાની પ્રતિમાઓનું વિસર્જન


નવસારી જિલ્લામાં દશામાંનાં વ્રત પુરા થતા શનિવાર મધરાત્રિથી દશામાંની પ્રતિમાઓનું ભક્તજનો ડીજેના તાલે અને ધાર્મિક વાતાવરણમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. જેમાં નવસારીનાં વિરાવળની પૂર્ણા નદી ખાતે બે દિવસમાં 1500થી વધુ, ધારાગીરી ગામના ઓવારાએ 175થી વધુ દશામાંની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે ઉભરાંટ દરિયા કિનારે પણ 150થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

નવસારી જિલ્લામાં માં દશામાંનાં વ્રત પુરા થતા હોય ભક્તોએ સ્થાપેલી પ્રતિમાઓનું બે દિવસ દરમિયાન વિસર્જન કરવામાં આવ્યું હતું. મોટા ભાગના ભક્તોએ શનિવારનાં મધરાત્રિથી જ માતાજીની પ્રતિમાઓની ડીજેના તાલે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રાત્રિના સમયથી જ ભક્તજનો પૂર્ણા નદીના કિનારે દશામાની પ્રતિમાનું વિસર્જન માટે ઉમટી પડ્યા હતા.

વિરાવળ ખાતે પસાર થતી પૂર્ણા નદીમાં ભક્તજનોએ બે દિવસમાં 1500થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. આ કામગીરીમાં વિરાવળ ગામનાં શ્રીરામ મંદિર યુવક મંડળના યુવાઓ જોતરાયા હતા. નવસારી ગ્રામ્ય વિસ્તાર ધારાગીરી ગામે આવેલી પૂર્ણા નદીના ઓવારા પરથી ગામનાં સરપંચ વનિતા પટેલ અને ટીમના યુવા સભ્યોના સહયોગથી 175થી વધુ નાની મોટી દશામાંની પ્રતિમાઓનુ વિસર્જન કરાયું હતું.

ઉભરાટના કિનારે 150થી વધુ પ્રતિમાનું વિસર્જન
જલાલપોરના ઉભરાટનાં દરિયાકિનારે પણ કાંઠા વિસ્તારનાં ભાવિક ભક્તોએ બે દિવસમાં 150થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. તંત્રએ વિસર્જન ટાણે કોઈ અનિચ્છનીય ઘટના ન બનતા હાશકારો અનુભવ્યો હતો.