13 August 2019

પાલિકાના જીમનું મકાન તૈયાર પણ શરૂ થવામાં વિલંબ


નવસારીની પશ્ચિમે રેલવે ફાટક નજીક પાલિકાના જીમનું મકાન તૈયાર થઈ ગયાંને 7 થઈ 8 મહિના થઈ ગયા પરંતુ હજુ જીમ શરૂ જ કરી શકાયુ નથી.

નવસારીં પૂર્વ વિભાગમાં પાલિકાએ સ્વામી વિવેકાનંદ તરણ કુંડ કોમ્પ્લેક્સમાં અદ્યતન જીમ બનાવ્યું છેે.જોકે શહેરના પશ્ચિમ વિભાગમાં જીમ નથી.આ વિસ્તારમાં પણ જીમ બનાવાય એવી માંગ હતી. આ માંગને ધ્યાને લઈને પાલિકા, જલાલપોર રોડ ઉપર જૂનું શોપિંગ સેન્ટર તોડી નવું બનાવી રહી હતી ત્યાં જ જીમ બનાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય અંતર્ગત શોપિંગ સેન્ટરમાં જીમ બનાવવાનું શરૂ કરાયું હતું.

જીમનું મકાન તૈયાર થઈ ગયાં ને આજે 7 થી 8 મહિના થયા છે,છતાં હજુ જીમ શરૂ થયું નથી. જીમ જ્યાં બનાવાયું તે શોપિંગ સેન્ટરમાં દુકાનો પણ બનાવાઈ છે,જેમાં એકલ દોકલ ચાલુ પણ થઈ ગઈ છે.

જીમ મુદ્દે સભામાં તડાફડી
નવસારી પાલિકાની ગત સામાન્ય સભામાં જીમ શરૂ થવામાં વિલંબના મામલે પશ્ચિમ વિભાગમાંથી ચૂંટાયેલા કાઉન્સિલર ત્રિભોવન ચાવડા અને ચીફ ઓફિસર વચ્ચે તડાફડી પણ થઈ હતી. ચાવડાએ જીમ શરૂ થવામાં થઈ રહેલા વિલંબ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી અને જીમ જલ્દીથી શરૂ થાય તે માટે રજુઆત કરી હતી તો સીઓ એ ટેન્ડરિંગમાં કાયદાકીય પ્રશ્નો સર્જાવાની વાત કરી હતી.

ભાવ ઊંચા આવતાં મુશ્કેલી
જીમના ફર્નિચરનું ટેન્ડર ક્વોલિફાઈ થયું ન હતું જેથી ફરી ટેન્ડરિંગ કરાશે જ્યારે સાધનોના 20 ટકા ઉંચા આવતા મુશ્કેલી સર્જાઈ છે હવે રિવાઇઝ અંદાજ બનાવી ટેન્ડરિંગ કરાશે. - રાજુ ગુપ્તા, સીટી ઈજનેર, નવસારી પાલિકા