5 October 2019

નવસારીમાં અનેક સમસ્યાઓ પાલિકાના શાસકો ઉકેલી શક્યા નથી


દક્ષિણ ગુજરાતની 22 પાલિકાના વહીવટ ઉપર નિગરની રાખવા પ્રાદેશિક કમિશ્નરની નિમણૂક સરકાર કરે છે.હાલ કમિશ્નર તરીકે અમિત અરોરાની જગ્યાએ સિપ્રા અગરે આવ્યા છે. તેની નિમણૂક બાદ પ્રથમ વખત નવસારી પાલિકાની મુલાકાત આજે શુક્રવારે આવ્યા હતા.

નવસારીમાં સિપ્રાએ પ્રમુખ, સીઓ સહિતના પાલિકાના જવાબદારો સાથે મુલાકાત નવસારી પાલિકા સંલગ્ન જાણકારી મેળવી હતી.તેણીની પાલિકાના વિપક્ષી નેતા અયાઝ શેખ, શહેર કોંગ્રેસ પ્રમુખ નિરવ નાયકની આગેવાનીમાં કોંગ્રેસી પ્રતિનિધિ મંડળે મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શહેરની સમસ્યાઓ વર્ણવી, શાસકોના ગેરવહીવટની ફરિયાદ કરી હતી.

ખબર નથી, રિવ્યુ લઈશ
પ્રાદેશિક પાલિકા કમિશ્નર સિપ્રા અગરેને પત્રકારોએ અનેક સવાલ કર્યા હતા. જોકે મહત્તમ સવાલોના જવાબમાં કહ્યું હતું કે, હું હાલમાં જ કમિશ્નરપદે આવી છું તેથી 'ખબર નથી, રિવ્યુ લઈશ' કોંગ્રેસીઓની ફરિયાદ મુદ્દે પણ આશ્વાસન આપ્યા હતા.

આ ફરિયાદો કરાઈ
  • કરોડોનો રસ્તા ઉપર ખર્ચ છતાં ઠેર ઠેર ખાડાઓ, ગેરેન્ટી પિરિયડની તપાસ કરાવો.  
  • ચૂંટાયેલા કાઉન્સિલરો પૂછેલી માહિતીના જવાબ પણ અપાતા નથી.  
  • જલાલપોર રોડ ઉપરના જીમમાં સાધનોની ખરીદીમાં નાણાનો વ્યય, વિલંબ  
  • નાગધરા પાણી યોજના પાછળ કરોડો ખર્ચાયા પરંતુ યોજનાનું પાણી મળતું નથી.  
  • નવી પાલિકા કચેરીમાં કરાયેલી કામગીરીની ગુણવત્તા તપાસો.  
  • રખડતા ઢોરથી શહેર પરેશાન પણ ઉકેલ કોઈ નહીં.  
  • પાલિકામાં સ્ટાફની ભારે કમીથી વહીવટ ઉપર અસર.  
  • પાલિકાના જયશંકર પ્લોટ નજીકના શોપિંગ સેન્ટરના બાંધકામમાં કાયદોને નેવે મુકાયો.