4 November 2019

નવસારીમાં કૂતરાના રસીકરણ માટે 4થી વખત ટેન્ડરિંગ કરાયું


નવસારીમાં કૂતરા કરડવામા બનાવો બની રહ્યા છે ત્યારે પાલિકાને કૂતરાના રસીકરણ, નસબંધી માટે ત્રણ વખત પાર્ટી ન મળતાં ચોથી વખત ટેન્ડરીંગ કરવું પડ્યું છે. નવસારીના કેટલાક વિસ્તારોમાં કૂતરા કરડવાના બનાવ બની રહ્યા છે. થોડા સમય અગાઉ પટેલ સોસાયટી વિસ્તારમાં આવા બનાવો બનતાં લોકોમાં આક્રોશ વ્યાપ્યો હતો.

તે વખતે તો ઉચ્ચ કક્ષાએ પણ તેની રજૂઆતો થઈ હતી. હાલમાં દાંડીવાડ વિસ્તારમાં 6 જણાને કૂતરુ કરડ્યું હતું. ઉપરાંત બનાતવાલા વિસ્તારમાં પણ કૂતરુ કરડવાના બનાવ બન્યા હતા. કૂતરા કરડવાના બનાવ બનતા રહેવાને કારણે નવસારી પાલિકા ઉપર આ બાબતે પગલાં લેવાનું દબાણ વધ્યું છે.

કૂતરા કરડવાના બનાવ જોતા પાલિકાએ કૂતરાને રસીકરણ કરાવવા નિર્ણય કર્યો હતો. જે અંતર્ગત આવી રસીકરણની કામગીરી કરતી પાર્ટીઓ પાસે ટેન્ડરો મંગાવ્યા હતા. પાલિકાએ ત્રણ-ત્રણ વખત આ માટે ટેન્ડરો બહાર પાડ્યા હતા પરંતુ પાર્ટીઓએ રસ દાખવ્યો ન હતો.