19 July 2019

બે કિશોરીને આપઘાત કરતાં બચાવાઈ


181 અભયમ મહિલા હેલ્પલાઇન નવસારીને એક યુવકનો અભયમમાં કોલ આવ્યો કે તેઓની બે મિત્ર કે જેઓ નવસારીની એક સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેઓ પોતાના ઘરેથી નીકળી આપઘાત કરવાના છે. તેથી યુવકે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી બંને મિત્રોને બચાવી લેવા વિનંતી કરી હતી. બંને તરૂણીને શોધી કાઢી હતી. બંને તરૂણી સાથે વાતચીત દ્વારા જાણવા મળ્યું હતું કે કલ્પના અને મીનાક્ષી (બંનેના નામ બદલ્યા છે) નામની તરૂણીઓ એક જ સ્કૂલમાં અનુક્રમે ધોરણ-10 અને 11માં અભ્યાસ કરે છે.

181 અભયમ ટીમને કલ્પનાએ પોતાની આપવિતી જણાવતા કહ્યું કે તેઓ બે ભાઇ-બહેન છે. તે મોટી છે જયારે ભાઇ નાનો છે તેમના મમ્મી-પપ્પા તેના સાથે સારું વર્તન કરતા નથી અને હું દીકરી હોવાથી મારી સાથે ઝઘડો કરે છે. મારા ભાઇને તમામ ચીજવસ્તુ લાવી અને જયારે મને વારંવાર માંગણી કરવા છતાંય ચોપડી નોટો કે કપડાં લાવી આપતા નથી. વર્ષોથી આવું ચાલે છે. મારા પ્રત્યેના આવા ઓરમાનભર્યા વર્તનથી મને ખોટું લાગતા મે આપઘાત કરવાનો વિચાર કર્યો હતો.

જયારે મીનાક્ષીએ જણાવેલું કે તેની સાથે અભ્યાસ કરતા એક છોકરા સાથે વાતચીત કરતા મારા પપ્પા જોઇ ગયેલા તેથી ઝઘડો થતા મે માફી પણ માંગી હતી કે હવે પછી તેની સાથે કોઇ વાતચીત નહી કરૂ પરંતુ મારા મમ્મી-પપ્પાને વહેમ છે કે, છોકરા સાથે હજુ પણ સબંધો ચાલુ છે. જેથી મને વારંવાર ટોકયા કરે છે. જેથી મે પણ ઘર છોડી આપઘાત કરવાનો વિચાર કર્યો હતો.

અમે બંને સારા મિત્રો હોવાથી એક-બીજાને વાત કરી, બંનેએ નકકી કર્યુ કે, ઘર છોડી આપઘાત કરી જીવન ટુંકાવી નાંખવું. બંને કિશોરીઓ ઘરેથી નીકળી ગઇ હતી પરંતુ મીનાક્ષીએ તેમના મિત્રને કોલ કરી વાત કરી હતી. જેથી તેમના મિત્રએ 181 અભયમ ટીમને આ વાતની જાણ કરી હતી.

181 અભયમ ટીમના કૃપાલીબેન પટેલ અને સકીનાબેને બંને કિશોરીને શાંતિથી સમજાવી તેમના પરિવારને બોલાવી બંને કિશોરીઓને સોંપણી કરી હતી. દીકરા-દીકરીના ઉછેરમાં કોઇ ભેદભાવ ન રાખવો તથા એકવાર જે ભૂલ થઇ હોય તેને વારંવાર યાદ ન કરવી જોઇએ એમ બંને દીકરીઓના વાલીઓને સમજાવતાં તેઓને પોતાની ભૂલ સમજાઇ હતી.

વિજલપોર નગરપાલિકાએ ચાર્જ બમણો કરતા લારી-પાથરણાવાળાનો કચેરીએ મોરચો


16મીને મંગળવારથી આ ઈજારદારે નવા ચાર્જ મુજબ વસૂલવાની શરૂઆત કરતા વિઠ્ઠલ મંદિર નજીક સહિત અનેક જગ્યાએ ચાર્જમાં કરાયેલા વધારાનો વેપારીઓએ વિરોધ કર્યો હતો. આ વેપારીઓ ત્યારબાદ મોરચો પણ વિજલપોર પાલિકા કચેરીએ લાવ્યા હતા. અહીં પાલિકાના ચાર્જ વધારા વિરૂદ્ધ તથા પાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. પાલિકા કચેરીમાં જઈ ત્યાં હાજર પ્રમુખ જગદીશ મોદી સમક્ષ વેપારીઓએ ચાર્જ વધારા પ્રત્યે નારાજગી દર્શાવી તે ખેંચી લેવાની માગ કરી હતી.

કેટલાક વેપારીઓનો વિરોધ નહીં?
વિજલપોરમાં આમ તો અનેક જગ્યાએ લારી-પાથરણાવાળા ધંધો કરે છે પરંતુ તમામ જગ્યાએથી ચાર્જ વધારાનો વિરોધ ન થયાનું પાલિકા જણાવે છે. કેટલીક જગ્યાએથી નક્કી થયેલો નવો ચાર્જ ઈજારદારે વસૂલ પણ કર્યો છે.

મહિનાઓ અગાઉ વધારો કરાયો હતો
વિજલપોર પાલિકાએ બે જ દિવસથી જ ચાર્જ વધારો કર્યો નથી પરંતુ ચારેક મહિના અગાઉ પાલિકામાં ચાર્જ વધારાનો ઠરાવ કર્યો હતો. જોકે તે સમયે મોટો વિરોધ થયો ન હોવાનું પાલિકા સૂત્રો જણાવે છે પરંતુ નવા ઈજારદારે વધારાયેલા ચાર્જ વસૂલવાની શરૂઆત કરતા વિરોધ થયો છે.

નગરપાલિકા સગવડ આપતી નથી
ચાર્જ વધારાથી અમે ગરીબ માણસ ક્યાં જઈએ ? અમને રૂ. 10ની જ પાવતી જોઈએ છીએ. નગરપાલિકા સગવડ પણ આપતી નથી. લાઈટ પણ ચાલતી નથી. અંધારામાં ધંધો કરીએ છીએ. - વિમલબેન બાગુલે, લારી-પાથરણા ધારક

નવસારીની સરખામણીએ નજીવો વધારો
અમે લારી-પાથરણાના ચાર્જમાં વધુ વધારો કર્યો નથી. નજીકની નવસારી પાલિકામાં તો રૂ. 50 અને રૂ. 100 સુધી લેવામાં આવે છે. કેટલાક વેપારીઓની રજૂઆત આવી છે વિચારીશું. - જગદીશ મોદી, પ્રમુખ, નવસારી પાલિકા

18 July 2019

અમરેલીના યુવકે લગ્ન માટે 2 લાખ ચૂકવ્યા : દુલ્હન 25 દિવસમાં જ 'ટોપી પહેરાવી' છૂ થઈ જતાં 7 સામે ફરિયાદ


અમરેલીના મૂળ વતની અને રાજકોટમાં ભાડેના મકાનમાં રહેતા દરજીકામ કરતા યુવાન સામે પાલઘર (મહારાષ્ટ્ર)ની યુવતી સાથે લગ્ન કરાવ્યા બાદ રૂપિયા 2 લાખ જેટલી માતબાર રકમ આ લગ્ન કરાવનારાઓએ પડાવી લીધા હતા. લગ્નનાં 25 દિવસ બાદ જ લગ્ન કરનારી યુવતીએ પોતાનું પોત પ્રકાશ્યું હતું અને બહાનાં કરી પિયર જતી રહ્યા બાદ પરત ફરી ન હતી. યુવાને 2 લાખ ચૂકવ્યા પછી દુલ્હન સાસરે નહી રહેતા લગ્ન કરાવનારાઓને તે અંગે જાણ કરતા તેમણે નાણા નહીં આપી ધમકી આપતા 7 જણાં સામે છેતરપિંડીનો ભોગ બનનારા યુવાને નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપી હતી .

ઘટના ની પ્રાપ્ત વિગત મુજબ વિપુલ નટુ રાઠોડ (રહે હાઉસિંગ બોર્ડના ઘર નંબર 38,તા.જી.રાજકોટ મુળ.સલડી હગામ જી.અમરેલી) પરિવાર સાથે રહે છે. તેમની ઉમર 38 હોય અને લગ્ન બાકી હોય તેમણે લગ્ન માટે તેમના પિતરાઈ ભાઈ ચેતન રાઠોડને જાણ કરી હતી. તેના દ્વારા સુરત ખાતે રહેતા તેમના મિત્રની ભાણેજ હોવાનું જણાવાયું હતું.

જેથી 1લી જુલાઈ 2018એ સુરત ખાતે આવ્યા અને વનરાજભાઈ અને હરિ ભરવાડ ત્યાં હતા. તેમણે વિપુલને છોકરી ગરીબ હોય તેની સાથે લગ્ન કરવા માટે રૂ.2 લાખ આપવા પડશે તેમ જણાવ્યું હતું. વનરાજ અને હરી ભરવાડ સાથે વલસાડ આવ્યા હતા અને ત્યાં આવેલા તડકેશ્વર મંદિરમાં છોકરીના સગા બચુ રબારી, નીરુ નાયકા, ભરતભાઈ નામના ઇસમ સાથે ઓળખાણ કરાવીને પાલઘરની નિર્મલાને બતાવી હતી. જયાં લેવડ દેવડની વાત થઇ હતી અને 11000 રોકડા વિપુલભાઈ એ આપ્યા હતા. 9મી જુલાઈએ વિપુલ તેના ભાઈ સાથે સુરત આવ્યો અને ત્યાર બાદ નવસારી ખાતે આવ્યો હતો અને કોર્ટની બહાર આવેલી ચાની લારી પાસે પહોચ્યા હતા.

વલસાડથી યુવતી નિર્મલા, નીરુ નાયકા, બચુ રબારી, યુવતીની માતા, ભરતભાઈ, રમેશ ભાઈ રાઠોડ આવ્યા હતા અને લગ્નની વાત કરતા રોકડા રૂ.1.90 લાખ નવસારીમાં વાહનમાં બેઠા ત્યારે આપ્યા હતા. આ પછી સુરત ખાતે જઈને વિપુલ અને નિર્મલાનાં વકીલ પાસે જઈને રૂ.100ના સ્ટેમ્પ પેપર પર લગ્નના કરાર પર સહી કરી હતી અને બધા ઈસમોએ સાક્ષીમાં સહી પણ કરી હતી. સુરત ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં હિંદુવિધિથી લગ્ન કરીને વિપુલ તેમના વતન ગયો હતો. 25 દિવસ રહ્યા બાદ નિર્મલાએ વિપુલને જણાવ્યું કે વાપીમાં કારખાનામાં કામ કરતી હતી ત્યાં મારો પગાર બાકી છે તેમ કહીને 6ઠ્ઠી ઓગસ્ટે સુરત આવ્યા હતા ત્યારે બચુ રબારી અને નીરુ નાયકાનો ફોન આવતા નિર્મલાએ વિપુલને જણાવ્યું કે આપણે ચીખલી ખાતે ઉતરી જવાનું છે તેમ કહી ને ચીખલી આવ્યા બાદ ત્યાં બચું રબારી આવ્યો હતો અને નિર્મલાને લઇ ગયા અને બે ત્રણ દિવસમાં ઘરે મોકલી આપવાનો વાયદો કર્યો હતો.

ઘરે ન આવતા વિપુલે ફોન કરતા નિર્મલાએ પણ આવી જઈશ તેવો વાયદો કર્યો હતો, 6 માસ વીત્યા બાદ યુવતી ન આવતા વિપુલે બચુ રબારીને ફોન કરી જણાવ્યું કે રૂ. 2 લાખ અમે લીધા છે તે પરત આપી દઈશું. 6 માસ વિતી ગયા બાદ વિપુલ રાઠોડ ચીખલી ખાતે નાણા લેવા આવ્યા ત્યારે બચુ રબારી, રમેશ અને ભરત પણ આવી જઈને વિપુલ રાઠોડને ધમકી આપી જણાવ્યું કે અમે પૈસા આપવાના નથી પાછા આવ્યા તો તમારા હાથ પગ ભાંગી નાખીશું તેમ જણાવતા તેઓ તેમના ઘરે પરત ગયા હતા. તેમને મિડિયા દ્વારા ખબર પડતા નવસારી આવીને તેણે છેતરનારા 7 ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.

અગાઉ પણ લગ્ન કરાવવામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે
નવસારીના ચીખલી ખાતે રહેતી પરીણિતાએ બે સંતાનોની માતા હોવા છતાં પતિ ત્રાસ આપતો હોય તેની જાણ તેની નણંદને કરી હતી અને વલસાડ અને સુરતના ઈસમોને સાથે મળીને ખોટું નામ અને ખોટા દસ્તાવેજી પુરાવા બનાવીને નવસારી ખાતે સુરત ખાતે વરાછા રોડ ખાતે કિશોર મોહન ગોહિલ (ઉવ 38) (મૂળ કોડીનાર જી.સોમનાથ) પાસે રૂ.1.35 લાખ લઇને લગ્ન કરાવ્યા હતા. જો કે પરીણિતાની માતાએ તેની પુત્રીને કોઈએ વેચી નાંખી હોવાની ફરિયાદ પોલીસ મથકે કરતા 12મી જુલાઈએ નવસારી પોલીસ મથકે છેતરાયેલા યુવકે પરીણિતા સહિત 7 ઈસમો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા 7ની અટક કરી હતી. 

નવસારીની ઘટના વાંચી આશંકા ગઈ
છેતરપિંડીનો ભોગ બનનાર વિપુલ રાઠોડને માર મારવાની ધમકી આપતા તેઓ પાછા રાજકોટ ગયા હતા. નવસારીમાં બનેલી દુલ્હન દ્વારા છેતરપિંડીની ઘટનાનાં સમાચાર જોતા ધ્યાન ઉપર આવતા જ અને નીરૂ નાયકા અને બચુ રબારીની અટક પોલીસે કરી હોય તે જાણતા તેઓ નવસારી પોલીસ મથકે આવીને તેમને છેતરનારા 7 ઈસમો જેમા બચુ રબારી અને નીરુ નાયકા સહિત સામે ફરિયાદ નોંધાવી હતી.

આરોપી ઠગ ટોળકીમાં 4 વલસાડના
- નિર્મલા બાલકૃષ્ણ દુધેડા (લગ્ન કરનાર )રહે મોખાણા તા. પાલઘર, મહારાષ્ટ્ર - બચુ રબારી (અટગામ, વલસાડ) - નીરુ નાયકા (વલસાડ) - રમેશ રાઠોડ (વલસાડ) - ભરત રાઠોડ (વલસાડ) - હારી ભરવાડ (ભાવનગર, વાવડી ગામ) - નિર્મલા (લગ્ન કરનાર યુવતી)ની માતા સામે ફરિયાદ નોંધાઈ હતી.

આરોપી બચુ રબારી હાલમાં રિમાન્ડ પર
ચીખલીની બે સંતાનોની માતા સાથે લગ્ન કરવાનારા સુરત, નવસારી અને વલસાડના 7 ઈસમો સામે ફરિયાદ સુરતના યુવાને નોંધાવતા 7ની અટક કરી હતી. જેમાં 6ની અગાઉ અને મુખ્ય આરોપી બચુ રબારીની મંગળવારે અટક કરાઈ હતી અને જે હાલ રિમાન્ડ પર છે. બચુ રબારી બંને ઘટનામાં સામેલ હોય તેઓ કેટલા સમયથી આવા લગ્ન કરાવ્યા છે તેની વધુ તપાસ ચાલુ છે. જો કે નીરુબેનના રિમાન્ડ પુરા થતા સબજેલમાં મોકલવામાં આવી છે. -  પી.પી.વસાવા, પીએસઆઈ, નવસારી ટાઉન

કબીલપોરમાં વોટર હાર્વેસ્ટિંગનો આરંભ


નવસારી કબીલપોર શૈલેષનગર કો.ઓ. હા. સોસાયટીમાં ગ્રામ પંચાયતના સમર્થનથી વોટર હાર્વેસ્ટીંગનો આરંભ કરવામાં આવ્યો હતો.

સરકારની યોજના અને પ્રોત્સાહનથી સોસાયટીના આગેવાનો પ્રશાંતભાઈ શ્રીવાસ્તવ, વિસ્પી અને અંકિત પારેખ, મયુર પટેલ, સોસાયટી પ્રમુખ રામાભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચોમાસાના પાણીને જમીનમાં ઉતારી પાણી સંગ્રહ કરવા માટેની યોજના અમલમાં મુકાઈ છે.

સોસાયટીમાં આ પ્રકારની વ્યવસ્થા થવાથી ભૂગર્ભ જળસ્ત્રોતમાં વધારો થશે. જેથી ઉનાળાની મોસમમાં સોસાયટીના લોકોને પાણીની સમસ્યા હળવી બનશે. સોસાયટીના નિરવ ગાંધી, ધ્રુવ ભટ્ટ, રોહિત પંડ્યા, રોમા ગાંધી વગેરેના માર્ગદર્શનથી આ કાર્ય પાર પડ્યું છે. સોસાયટી કંપાઉન્ડમાં બોરવેલ કરાવી એની સાથે પાણી જમીનમાં ઉતારી શકાય એવી ગોઠવણ કરવામાં આવી છે.

કબીલપોર ગ્રા.પં. સરપંચ છનાભાઈ જોગી, વોર્ડ સભ્ય ભરતભાઈ વાઘેલા, તલાટી મંત્રી રણછોડભાઈએ સોસાયટીના કાર્યને બિરદાવી સરકારની યોજનાનો અમલ કરવા માટે સહકારની ખાતરી આપી હતી.

17 July 2019

બુલેટ ટ્રેન : પ્રક્રિયા વિના જ રેકર્ડમાં સંપાદનની નોંધથી વિવાદ


બુલેટ ટ્રેન જ્યાંથી પસાર થવાની છે તેમાંના કેટલાક ગામોના ખેડૂતોની જમીનના રેકર્ડમાં 'જમીન સંપાદન થયેલ છે' એવું લગાતા ગૂંચવાડો ઉભો થયો છે. હજુ નવસારી જિલ્લામાં જમીનનું વળતર ચૂકવાયું પણ નથી.

નવસારી જિલ્લાના 28 ગામોમાંથી બહુચર્ચિત બુલેટ ટ્રેન પસાર થવાની છે ત્યારે સરકારી તંત્રે આ ગામોમાં જમીન સંપાદન પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયા અંતર્ગત જમીન માપણી 23 ગામોમાં તો પૂર્ણ કરાઈ છે પરંતુ 5 ગામોમાં માપણી વિરોધને લઈને પૂરી કરી શકાઈ નથી. જોકે ઘણાં અસરગ્રસ્ત ખેડૂતોના જમીનના રેકર્ડમાં બુલેટ ટ્રેનની કાચી નોંધ જરૂર પડાઈ છે.

આ દરમિયાન બુલેટ ટ્રેનમાં અસરગ્રસ્ત ગામોમાંથી કેટલાકમાં ખેડૂતના જમીનના રેકર્ડમાં 'જમીન સંપાદન થયેલ છે' એવું પણ લખી દેવાયું છે. ગણદેવી તાલુકાના દેસાડ ગામમાંથી આવી જાણકારી આવી છે. આ ઉપરાંત જ્યાં હજુ જમીન માપણી પણ થઈ નથી એ નવસારી તાલુકાના વેજલપોર ગામના ખેડૂતના રેકર્ડમાં પણ લખી દેવાયું છે. આ ઉપરાંત અન્ય ગામોમાં પણ આવી નોંધ (જમીન સંપાદન થયેલ છે) મુકાઈ હોય તો નવાઈ નહીં!

સામાન્યત: વળતર ચૂકવાયા બાદ ખેડૂતની જમીન બુલેટ ટ્રેન માટે આપી દેવાઈ ત્યારે 'સંપાદન થયેલ છે' એવું લખી શકાય છે. જોકે હજુ આવુ જિલ્લામાં થયું નથી તેથી અસરગ્રસ્તોમાં મૂંઝવણ પેદા થઈ છે.

રેકર્ડ કઢાવ્યો ત્યારે ખબર પડી
અમે જ્યારે હાલ અમારી વેજલપોર ગામમાં આવેલી જમીનનો રેકર્ડ કઢાવ્યો ત્યારે ખબર પડી કે 'જમીન સંપાદન કરેલ છે' એવું લખાયુ છે. અમારા વેજલપોર ગામમાં તો સર્વે કે માપણી પણ કરવામાં આવી નથી. આવુ લખી શકાય નહીં, અમે રજૂઆત કરીશું. - બાબુભાઈ શાહ, અસરગ્રસ્ત ખેડૂત, વેજલપોર

જલદી સંપાદનની પ્રક્રિયાની ચર્ચા
જમીન સંપાદન થયેલ છે એવી મુકાયેલી નોંધ સરકારી તંત્રથી ભૂલથી મુકાઈ એ કદાચ શક્ય છે. જોકે એકથી વધુ ગામોમાં મુકાયેલી નોંધ તંત્રની જલદીથી સંપાદન કરવાની પ્રક્રિયાનો જ ભાગ હોવાની ચર્ચા પણ ચાલે છે.

સંપાદન અંગે ઈ-ધરામાં પૂછવું પડશે
હાલ 'જમીન સંપાદન હેઠળ છે' એવું કહી શકાય. સંપાદન થયેલ છે તેવી નોંધ બાબતે ઈ-ધરામાં પૂછવુ પડશે. જમીન સંપાદન પ્રક્રિયા ચાલે છે. વળતર બાકી છે. - એન.એ. રાજપૂત, જમીન સંપાદન અધિકારી, હાઈસ્પીડ ટ્રેન પ્રોજેકટ, નવસારી

16 July 2019

સિવિલ સર્જનને નિવૃત્તિના 2 મહિના બાકી હતા, 150થી વધુ લીકર પરમિટ છેલ્લાં 2 માસમાં જ આપી દીધી ને આખરે 10 હજારની લાંચ લેવામાં ઝડપાયા


નવસારીના ચીફ ડિસ્ટ્રિકટ મેડિકલ ઓફિસર તેમજ સિવિલ સર્જન એવા ડો. અનિલ કોડનાનીને એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી રૂ. 10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. લીકર હેલ્થ પરમિટ રિન્યુ કરવા માટે તેણે ફરિયાદી પાસેથી આ રકમ માંગતા તેણે એસીબીમાં ફરિયાદ કરી હતી. એ પછી એસીબીની ટીમે ટ્રેપ ગોઠવી ડો. કોડનાનીને પકડી પાડ્યા હતા. વર્ગ-1ના આ અધિકારીને નિવૃત્ત થવાને માત્ર 2 જ મહિના બાકી હતા. છેલ્લા બે માસથી જિલ્લામાં સિવિલ સર્જન પાસે અંદાજે 150થી વધુ પરમિટ કઢાવી હોવાની માહિતી પણ મળી છે.

નવસારીમાં સિવિલ હોસ્પિટલમાં એસીબીની ટીમે સિવિલ સર્જન ડો. અનિલ કોડનાનીને લીકરની પરમિટ ધરાવનાર શખ્સને લીકર હેલ્થ પરમિટ રિન્યુ કરવા નવસારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. એ દરમિયાન ડો. કોડનાનીએ લીકર હેલ્થ પરમિટ રિન્યુ કરી આપવાની તૈયારી બતાવી હતી પરંતુ તેની સામે તેમણે રૂ. 10 હજાર લાંચ પેટે આપવાની વાત કરી હતી.

ફરિયાદીને તપાસ કરાવ્યા બાદ ડોકટરે અભિપ્રાય આપવાનો હતો. તેમના અભિપ્રાય બાદ ફરિયાદની લીકર હેલ્થ પરમિટ રિન્યુ થઈ શકે. આખરે એસીબીનો સંપર્ક સાંધ્યો હતો. એ પછી નવસારી સિવિલ હોસ્પિટલમાં સુરત એકમના મદદનીશ નિયામક સુપરવિઝન અધિકારી એન.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ વલસાડ અને ડાંગના એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ પી.ડી. બારોટ તથા તેમની ટીમે ટ્રેપ ગોઠવી હતી. તેમને લીકર હેલ્થ પરમિટ રિન્યુ કરવા માટે રૂ. 10 હજારની લાંચ લેતા હોસ્પિટલમાં જ બપોરે ઝડપી લીધા હતા.

કેવી રીતે ટ્રેપમાં ફસાયા
નવસારીના એક ઇસમની લીકર હેલ્થ પરમિટ રિન્યુ કરવાની હોય તે માટે સિવિલ સર્જન ડો.કોડનાની પાસે ગયો હતો. પરમિટ રિન્યુ કરવા રૂ.10 હજારની લાંચ માંગી હતી. તેણે નવસારી એસીબીનોનો સંપર્ક કર્યો હતો. સોમવારે બપોરે 11.30 કલાકે તેને બોલાવ્યો હતો. તેણે 2000ની 5 નોટ ડોક્ટરની કેબિનમાં જઈને આપી હતી અને તે બહાર આવતા જ 12.15 કલાકે એસીબી તથા સ્ટાફ વિડિયો રેકોર્ડિંગ સાથે ધસી આવીને ડોક્ટરની તપાસ કરતા ખિસ્સામાંથી 2000ની 5 નોટ મળી આવતા ડો. કોડનાનીને એસીબી ટીમે પકડી પાડ્યા હતા.

આ રીતે લીકર પરમિટ લેવાની હોય છે
નવસારી જિલ્લામાં આલ્કોહોલ પરમીટ સર્ટીફિકેટ કરવા માટે સૌ પ્રથમ જે તે વ્યક્તિ શારીરિક રીતે ફીટ હોવો જોઈએ. રોગી કલ્યાણ સમિતિ રૂ.10 હજાર ભરી કેસ પેપર કાઢવામાં આવતું હોય છે. તેમાં વિગત ભરીને એમ.ડી ડોક્ટરનું પ્રમાણપત્ર મેળવાનું હોય છે. આ ફોર્મ લઈને અંતે સિવિલ સર્જન પાસે જવાનું હોય છે. તેમની ઉપસ્થિતિમાં જે તે ઇસમની ફિટનેસની તપાસ થતી હોય છે અને તેઓ અનફીટ જાહેર કરેતો તેની કેસ પેપરની ફી રૂ. 10 હજાર સરકારમાં જમા થતી હોવાની માહિતી મળી છે. આ કેસમાં ડો.કોડનાની અનફિટને ફીટ જાહેર કરવાના અલગથી રૂ.10 હજાર માંગ્યા અને એસીબીમાં ફરિયાદ થતા આખરે તેઓ એસીબીની ટ્રેપમાં ફસાયા હતા.

2 માસથી નવસારીથી પરમિટ મળતી થઈ હતી
લીકર હેલ્થ પરમિટ માટે 6 માસ પહેલા સુરત ખાતે હેલ્થ કચેરીમાં પરમિટ આપવા માટેની વિધિ કરવામાં આવતી હતી. દક્ષિણ ગુજરાતના લોકોને પરેશાની થતી હતી. આરોગ્ય વિભાગ દ્વારા જે જિલ્લાના સિવિલ સર્જન પાસે આ લીકર હેલ્થ પરમિટનું પ્રમાણપત્ર આપવા માટેનો હુકમ કર્યો હતો.

15 July 2019

નવસારી-જલાલપોરમાં થયેલી 8 ચોરીનો ભેદ ઉકેલાયો


નવસારી અને જલાલપોરના છેલ્લા 4 માસમાં દિનદહાડે 8 ચોરીનો ભેદ એલસીબી પોલીસે ઉકેલી કાઢ્યો હતો. પોલીસે આ ચોરીમાં કાયદાનાં સંઘર્ષમાં આવતા તરુણની અટક કરી હતી. પોલીસે તેની પાસેથી રોકડા રૂ. 1.82 લાખ રોકડા અને 1.39 લાખના દાગીના મળી કુલ રૂ. 3.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

નવસારી અને જલાલપોરમાં ભર બપોરે બંધ ઘરનાં પાછળના ભાગેથી પ્રવેશ કરીને કોઈ વસ્તુ વડે કબાટના તાળા તોડીને લાખો રૂપિયાની ચોરીની બૂમો ઉઠી હતી. આ ચોરીના બનાવમાં કોઈ મોટી ગેંગ હોવાની શક્યતા સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી. 7મી જુલાઈએ જલાલપોરના પ્રણામી એપાર્ટમેન્ટ પાસે રહેતા નટવર મિસ્ત્રી લગ્ન પ્રસંગમાં વલસાડ ગયા અને તેમના બંધ ઘરમાં ચોરી થઈ હતી.

આ ઘટના બાદ એક કાયદામાં સંઘર્ષમાં આવતા તરુણ જલાલપોરના ગૌરીશંકર મહોલ્લા ખાતેથી સ્ટેશન તરફ જતો હોય એલસીબીના પોકો અર્જુન પ્રભાકરને મળેલ બાતમીને આધારે આ તરુણ પાસે ચોરીનો મુદામાલ હોવાનું જણાતા તેની પાસેની કાળા કલરની થેલીની તપાસ કરતા રોકડા રૂ.1.82 લાખ રોકડા અને 1.39 લાખના દાગીના મળી કુલ રૂ. 3.21 લાખનો મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.

પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જલાલપોરના નટવર મિસ્ત્રીને ત્યાંથી ચોરી કરી હોવાનું જણાવતા તેની અટક કરી હતી. આ તરુણે જલાલપોર વિસ્તારમાં 6 અને નવસારી શહેરમાં 2 ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. એલસીબીના મહિલા પીએસઆઈ એમ.જી.જોશી અને કર્મીઓએ તરૂણની વધુ પૂછપરછ કરતા તે અગાઉ બોટાદ, જિ. ભાવનગર ખાતે રહેતો હોવાનું તેમજ ત્યાં પણ ચારેક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.

ચોરી કરનાર તરુણ મૂળ નવસારીમાં જ રહેતો હતો
નવસારીમાં ચોરી કરનાર કાયદાના સંઘર્ષમાં આવતો તરુણ પ્રકાશ સિનેમા પાસે જ પરિવાર સાથે રહેતો હતો. રેલવે ઓવરબ્રિજ બનવાનો હોય તેનો પરિવાર બોટાદ ખાતે ગયો હતો. બોટાદથી ચોરી કરવા નવસારી આવતો અને ચોરી કરીને પાછો બસમાં ઘરે જતો હતો. તે ચોરીના પૈસા કોઈને આપતો ન હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ બોટાદમાં તેના ભાઈઓ સાથે ચારેક જેટલા ઘરફોડ ચોરી કરી હતી. આ ગુનામાં તે પકડાઈ ગયો હતો પરંતુ કાયદાના સંઘર્ષમા આવતો હોય તેને છોડી દેવામાં આવ્યો હતો.

ચોરીની મોડસ ઓપરેન્ડી
ચોરી કરનાર તરુણ પહેલા મહોલ્લામાં ફરીને કોના ઘરે તાળું છે તે જોઈ લેતો અને તેની પાછળના ભાગે જઈને બારણું તોડીને અન્ય રીતે પ્રવેશ કરી લેતો હતો. ઘરમાં પ્રવેશ કરીને કબાટ તોડતો અને સોના ચાંદી અને રોકડ રકમની ચોરી કરીને તે હાઈવે મારફત કડોદરા પાસે જતો અને ત્યાંથી બસમાં તેના ઘરે જતો હતો. તે રાજકોટ પહોંચી સોનીને ત્યાં જઈને સોનાનાં દાગીના વેચી કાઢતો હતો. તેના પરિવારના 7 ભાઈમાંથી 3 ભાઈ માત્ર ચોરીનું જ કામ કરે છે. - એમ.જી. જોશી, પીએસઆઈ, નવસારી એલસીબી

કઈ કોઈ ચોરીનો ભેદ ઉકલાયો
 • 11 ફેબ્રુઆરી સહયોગ સોસાયટીમાં પ્રવિણ મુળજી મિસ્ત્રી 
 • 17 ફેબ્રુઆરી જલાલપોરમાં રહેતા યોગેન્દ્ર મિસ્ત્રી 
 • 24 ફેબ્રુઆરી તરુણા સંજય ભટ્ટ ,આદર્શ નગર સોસાયટી જલાલપોર 
 • 25 ફેબ્રુઆરી નરેશ સુમન મૈસુરીયા આદર્શ નગર (હાલ રહે. સુરત) 
 • 26 મે હેમંત પટેલ ગૌરીશંકર મહોલ્લો જલાલપોર 
 • 26 જુન ઠાકોર પટેલ આનદ ભવનની સામે,નવસારી 
 • 26 જુન જયંતિ કુવરજી વિશાવળિયા થાણાફળિયા જલાલપોર 
 • 7 જુલાઈ 2019 નટવર પરભુ મિસ્ત્રી પ્રણામી એપાર્ટમેન્ટ સામે જલાલપોર ત્યાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. 

14 July 2019

નવસારીના માર્ગો પર સભા ભરીને બેસતા રખડતા ઢોરો


ચોમાસુ શરૂ થતાની સાથે જ શહેરના રસ્તાઓ ઉપર અડિંગો જમાવીને બેસી રહેતા રખડતા ઢોરો ટ્રાફિક સમસ્યા સાથે જ અકસ્માતોને પણ નોતરી રહયા છે. વર્ષોથી ઠેરની ઠેર રહેલી રખડતા ઢોરોની સમસ્યા પાલિકા લાખો રૂપિયાનુ પાણી કરવા છતા ઉકેલી શકી નથી. જયારે રસ્તે રઝળતા ઢોરોના ત્રાસથી શહેરીજનો પણ કંટાળ્યા છે, ત્યારે રસ્તે સભા ભરીને બેસી રહેતા ઢોરોની સમસ્યાનો પાલિકા કાયમી ઉકેલ લાવે એવી માંગ ઉઠવા પામી છે.

નવસારી શહેરમા જાહેર માર્ગો પર અને ગલી મોહલ્લાઓમાં રખડતાં ઢોરોનો ત્રાસ શરૂ થયો છે. શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ૨૪ કલાક અઙ્ખડિંગો જમાવીને બેસી રહેતા ઢોરોના ત્રાસથી નવસારીવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગત વર્ષે નવસારીના એક એનજીઓ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં શહેરમાં ૫૦૦ જેટલા ઢોરો હોવાનુ સામે આવ્યુ હતુ. શહેરમાં ખાસ કરીને શાકભાજી માર્કેટ, ટાટા હોલ, સાંઢકુવા, ઝવેરી સડક, જુનાથાણા સહિતના વિસ્તારોમાં તેમજ મુખ્ય રસ્તાઓ પર વધુ ઢોર જાવા મળે છે. રસ્તા ઉપર ફરતા રહેતા અને ઘણી જગ્યાએ અડિંગો જમાવીને બેસી રહેતા ઢોરોને કારણે ટ્રાફિકમાં પણ અડચણ ઉભી થાય છે.

ગત વર્ષે શહેરના શાક માર્કેટમાં રખડતા સાંઢો વચ્ચેની લડાઈમાં અડફેટે આવેલા એક વૃધ્ધાનુ મોત પાલિકાને પાઠ ભણાવ્યો હતો, પરંતુ પાલિકાએ થોડા દિવસો ઢોર પકડવાની કામગીરી કરીને સંતોષ માન્યો હતો. જાકે ફરી શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરોની સભા અને આખલા લડાઈને કારણે લોકોએ હેરાનગતિ અને અકસ્માતનો ભોગ બનવુ પડે છે. વર્ષોની રખડતા ઢોરોની સમસ્યા હલ કરવા શહેરના પ્રબુધ્ધ નાગરિકોએ પણ પાલિકા અને જિલ્લા વહીવટી તંત્રને રજૂઆતો કરીને સોશ્યલ મિડીયા પર પણ અભિયાન છેડ્યુ હતુ.

પરંતુ તેનો પણ પાલિકાના શાસકો પર કોઇ અસર ન થતા વિપક્ષ પણ પાલિકાના શાસકોની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્નહયો છે. એક તરફ શહેરમા રખડતા ઢોર દિવસે દિવસે વધી રહ્ના છે, ત્યારે પાલિકા રખડતા ઢોરો પર ટેગ લગાવે, કે જેનાથી ઢોરોની ઓળખ થઇ શકે અને તેના માલિકોને દંડ કે સજા કરવામાં પણ સરળતા રહે એવી માંગ લોકમાનસમાં ઉઠી રહી છે. જાકે પાલિકા સમસ્યાના સમાધાન અર્થે કોઈ નક્કર પગલાં કે આયોજન ન કરતી હોવાથી રખડતાં ઢોરોની સંખ્યામાં વધારો થાય છે અને લોકોને હાલાકી વેઠવી પડે છે.

કાયમી ઉકેલ લાવવામાં પાલિકા નિષ્ફ્ળ:  વિપક્ષી નેતા
વિપક્ષી નેતા ઐયાઝ શેખે જણાવ્યું હતું કે પાલિકા વર્ષોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ રહી છે. શહેરમાં જયા કચરાના ઢગ હોય છે, ત્યા મોટે ભાગે ઢોર જાવા મળે છે અને પ્લાસ્ટિકની કોઠળી તેમજ જે મળે એ ખાઇ લેતા હોય છે. જેના કારણે કેટલીક વાર તેમનુ મોત પણ થાય છે. શાસકો શહેરના રસ્તાઓ પર નિકળે તો અંદાજે ૨૦૦ ઢોર જાવા મળશે. જેના કારણે ટ્રાફ્કિ સમસ્યા અને લોકો અકસ્માતનો પણ ભોગ બને છે. જેથી પાલિકાએ શહેરને ઢોર મુક્ત બનાવવા માટેની નક્કર યોજના બનાવવી જાઇએ.

બજેટમાં ૧૦ લાખ ફળવાયા, પણ નક્કર યોજના નહી
રખડતા ઢોરોના ત્રાસથી નવસારીવાસીઓને બચાવવા પાલિકા દ્વારા ૧૦ લાખ રૂપિયાની જાગવાઇ ગત બજેટમાં કરવામાં આવી હતી. જેમાં શહેરમાં ઢોરવાડો બનાવવાનુ પણ નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ જગ્યાના અભાવે પાલિકા ઢોરવાડો બનાવી શકી નથી. બીજી તરફ પાલિકાએ ગત વર્ષે રખડતાં અંદાજે ૩૦૦ ઢોરોને પકડીને ખડસુપા સ્થિત ભગવાન મહાવીર પાંજરાપોળમાં પહોંચાડયા હતા અને તેમના નિભાવ અર્થે ૫ લાખ રૂપિયાની રકમ પણ આપી હતી. પાલિકા તંત્ર રખડતા મુકતા ઢોરોના પશુપાલકો સામે માત્ર લાલ આંખ કરવાની વાતો કરી રહી છે. પરંતુ સમસ્યાના કાયમી ઉકેલની કોઇ યોજના પાલિકા પાસે હોય એવુ હાલ જણાતું નથી.

13 July 2019

વલસાડની પરિણીતાને માર મારનાર નવસારીના મૌલવીની અટકાયત


નવસારી ખાતે રહેતા કહેવાતા મૌલવીએ વલસાડની પરિણીતાને તંત્રવિદ્યાનાં નામે ફસાવીને અવારનવાર પૈસાની માંગણી કરીને રૂ. 48 લાખ કઢાવ્યા હતા. આ પરિણીતા અને તેની માતાને ગતરોજ નાણા પરત લેવા આવતા કહેવાતા મૌલવી અને બે મહિલાએ મારમારતા ટાઉન પોલીસ મથકે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે આજે શુક્રવારે કહેવાતા મૌલવીની અને એક મહિલાની નવસારી પોલીસે અટક કરી હતી.

વલસાડ ખાતે રહેતી પરિણીતાએ તા. 11 જુલાઈ ના રોજ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના લગ્ન વારંવાર તૂટી જતા હોય તે બાબતે વલસાડમાં રહેતા જાવેદભાઈ રિક્ષાવાળાએ આ કામ માટે વશીકરણ કરતા નવસારીના ચારપુલ ખાતે જુના બસ ડેપોની બાજુમાં આવેલા એ વન એપાર્ટમેન્ટમાં ફ્લેટ નબર 201માં ઇલ્યાસ અબ્દુલ રસીદ હજાત (રહે. શોકત અલીના વાડામાં, દરગાહ રોડ, નવસારી)નો સંપર્ક કરતો હોય તે બાબતે કહેવાતા મૌલવી પાસે વલસાડની પરિણીતાએ કોઈ કામ સોપ્યું હતું. તે માટે મૌલવીએ વારંવાર પૈસાની માંગણી કરી રૂ. 48 લાખ જેટલી રકમ કઢાવી હતી.

બાદમાં એક કાર અને સોનાનાં દાગીના પણ આપ્યા હતા પરંતુ આ મૌલવી સાઉથ આફ્રિકા જતા તેમના નજીકના ઇસમે આ કહેવાતા મૌલવીની વશીકરણનો પર્દાફાશ કરી દીધો હતો. જેથી આ પરિણીતા તથા તેની માતા નવસારી ખાતે નાણા પરત લેવા આવ્યા હતા ત્યારે કહેવાતા મૌલવીએ પરિણીતા અને તેની માતાને માર માર્યો હતો. આ અંગે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરી હતી. આ ફરિયાદને પગલે પોલીસે મૌલવીની અટક કરી હતી. 

મૌલવીએ પરિણીતાને પૈસા આપ્યા ન હતા
વલસાડની પરિણીતા દ્વારા કહેવાતા મૌલવી સામે ફરિયાદ થતા તેની અટક કરી તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કહેવાતા મૌલવીને પરિણીતાએ કામ માટે પૈસા આપ્યા હતા પણ તે ન થતા પરિણીતા અને તેની માતા નાણા લેવા આવી હતી. કહેવાતા મૌલવીએ તે ન આપતા મારામારીની ઘટના નોંધાઈ હતી. જોકે કહેવાતા મૌલવીએ અન્ય પાસેથી આ રીતે નાણાં પડાવ્યા છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરી છે. - પી.પી. વસાવા, પીએસઆઈ નવસારી ટાઉન

પોલીસે માનવતા નેવે મૂકી, વૃદ્ધાશ્રમના વૃદ્ધની દવા લેવા જનારને રોકી રખાયો


જ્યારે ઘણાં લોકોના ટ્રાફિકના ગુનામાં પોલીસ નજરઅંદાજ કરે છે ત્યારે નવસરીના વૃદ્ધાશ્રમના ક્રિટિકલ હાલતના વૃદ્ધની દવા લેવા ગયેલા વાહનચાલકને ટ્રાફિકના મામુલી ગુનામાં પોલીસ ચોકીએ બેસાડી રાખી વાહન ડિટેઈન કરાતા વિવાદ સર્જાયો છે.

નવસારીના માનવમંદિર વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધોની સંભાળ રખાય છે. આ વૃદ્ધાશ્રમના સંચાલક સતિશભાઈ પટેલ જણાવે છે કે, અમારે ત્યાં એક સુદેશભાઈ નામના 80-85 વર્ષના વૃદ્ધને અચાનક જ ગભરામણ શરૂ થતા તેની હાલત ક્રિટીકલ થઈ હતી. વૃદ્ધની દિપમંગલ સોસાયટીમાં ડો. વિનીત ચૌહાણની દવા લેવા અમારે ત્યાંના યુવાન સુરજને સ્કૂટર પર મોકલ્યો હતો. ગ્રીડ ઉપર પહોંચતા ત્યાં હાજર ટ્રાફિક પોલીસે સુરજને હેલ્મેટ જેવા કેસમાં રોકી રાખ્યો હતો.

કેસની સાચી ગંભીરતા ન સમજાઈ હોય
ઘણાં કિસ્સામાં વાહનચાલકો ટ્રાફિકના ગુનામાં પકડાય તો ઈમરજન્સીની જ વાતો કરે છે, જેમાં ઘણી ખોટી હોય છે. કદાચ આ કિસ્સામાં પોલીસ કેસની સાચેસાચની ગંભીરતા સમજી શકયો ન હોઈ શકે. - ટી.આર. ચૌધરી, પીએસઆઈ, નવસારી રૂરલ

કટોકટીમાં ટ્રાફિક પોલીસની માનવતા ક્યાં?
કેસની ગંભીરતાનો પણ પોલીસ માનવતાના ધોરણે ખ્યાલ ન રાખે વાજબી નહીં ગણાય. આટઆટલા ટ્રાફિકના ગુના બને છે તેમાં કંઈ કરાતું નથી અને કટોકટીના કેસમાં વિચાર પણ ન કરાય તે ક્યાંનો ન્યાય?' - સતિશભાઈ પટેલ, સંચાલક, વૃદ્ધાશ્રમ

12 July 2019

પરિણીતા પાસે નવસારીના કહેવાતા મૌલવીએ લાખો રૂપિયા ખંખેર્યા


નવસારી ખાતે રહેતા મૌલવીએ વલસાડની પરીણિતાને તંત્રવિદ્યાનાં નામે ફસાવીને અવારનવાર નાણાંની માંગણી કરીને રૂ. 48 લાખ કઢાવ્યા હતા. બાદમાં આ કહેવાતા મૌલવીની કરતૂતો ખબર પડતા તેની પાસે નાણા પરત માંગવા આવતા આ પરીણિતા અને તેની માતાને આ કહેવાતા મૌલવી અને બે મહિલાએ માર મારી હોવાની આજે ગુરૂવારે આ પરીણિતાએ મૌલવી અને બે મહિલા વિરૂદ્ધ ટાઉન પોલીસ મથકે માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

વલસાડ ખાતે રહેતી પરીણિતાએ આજે ગુરૂવારે નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે. તેમના એક લગ્ન તૂટી જતા બીજા લગ્ન કર્યા હતા. જેની જાણ પ્રથમ પતિના ભાઈને થતા તેણે તેના લગ્ન તોડવા માટે પ્રથમ લગ્નના વિડિયો તેના પિતાને બતાવીને બ્લેકમેઈલિંગના પ્રયત્નો કર્યા હતા.

આ બાબતે તેની માતાએ વલસાડમાં રહેતા જાવેદભાઈ નામના રિક્ષાવાળાને આ બધી વાત જણાવતા જાવેદભાઈએ આ કામ માટે નવસારીના ચારપુલ ખાતે જૂના બસ ડેપોની બાજુમાં આવેલા એવન એપાર્ટમેન્ટમાં ઇલ્યાસ અબ્દુલરસીદ હજાત (રહે. દરગાહનો વાડો, નવસારી) નામનો કહેવાતો મૌલવી વશીકરણ કરવાનું કામ કરે છે તેની પાસે લઈ આવ્યો હતો. તેની પાસે તાવીજ તથા અન્ય વિધિ કરાવી હતી. તેના લગ્ન બીજા યુવક સાથે થયા હતા અને લગ્નના છ માસ બાદ બીજો પતિ તેને છોડી તેના ઘરે ગયો હતો.

આ બાબતે માહિતી મેળવતા તેના પ્રથમ પતિના ભાઈએ બીજા પતિને તેના અગાઉ લગ્નની વાત કરી હતી. તે સમસ્યાના હલ માટે નવસારીના કહેવાતા મૌલવીનો પુનઃ સંપર્ક પરીણિતાએ કર્યો હતો. કહેવાતા મૌલવીએ આ પરીણિતાને તેને પૈસાની જરૂર છે તેમ કહીને પ્રથમ રૂ. 3.50 લાખ માંગ્યા હતા. જે તેણીએ આપ્યા હતા ત્યારબાદ તેણે વારંવાર પૈસાની માંગણી કરી રૂ. 48 લાખ જેટલી રકમ કઢાવી હતી.

ત્યારબાદ એક કાર અને સોનાનાં દાગીના પણ આપ્યા હતા. કહેવાતા મૌલવી સાઉથ આફ્રિકા જતા તેમના નજીકના ઇસમે તેના વશીકરણનો પર્દાફાશ કરી દીધો હતો. જેથી આ પરીણિતા તથા તેની માતાએ નવસારી ખાતે નાણા પરત લેવા આવ્યા હતા. તેઓ કહેવાતા મૌલવીના ફ્લેટ ઉપર જતા માતા-પુત્રીએ નાણા માંગતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરીને પરીણિતા અને તેની માતા ઉપર હુમલો કર્યો હતો અને આ પરીણિતાના પતિને મારી નાંખવાની ધમકી આપી હતી. આ બિલ્ડીંગમાં રહેતી બે મહિલાઓ પણ ધસી આવીને આ માતા-પુત્રીને માર માર્યો હતો. આ બાબતની પરીણિતાએ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ટૂંક સમયમાં અટક કરી લેવાશે
પરીણિતાએ મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં કહેવાતા મૌલવીએ વલસાડની પરીણિતા પાસે રૂ.48 લાખ લીધા છે તેવો આક્ષેપ ફરિયાદમાં કર્યો છે. જેની અટક કર્યા બાદ તપાસ દરમિયાન વિગતો ખુલશે. કહેવાતા મૌલવીની અટક ટૂંક સમયમાં કરી લેવાશે. - પી.પી.વસાવા, પીએસઆઈ, નવસારી ટાઉન

ઘરના સભ્યો નોકરીએ ગયા ને 1.84 લાખના દાગીના ચોરાયા


કાલીયાવાડી ખાતે એ.બી.સ્કૂલની સામે આવેલા એપાર્ટમેન્ટમાં આવેલા ઘરના સભ્યો નોકરીએ જતા તે તકનો લાભ લઈને ઘરમાંથી 8 તોલાના સોનાના દાગીના કિંમત રૂ. 1.84 લાખની ચોરી થયાની નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

નવસારીના કાલીયાવાડી ખાતે આવેલી એ.બી. સ્કૂલ સામે પવન એપાર્ટમેન્ટમાં પ્રથમ માળે ફ્લેટ નંબર 111માં વિવેક ગિરીશ પટેલ પરિવાર સાથે રહે છે. વિવેકભાઈ અને તેમની પત્ની નોકરિયાત હોય સવારે નોકરી અર્થે નીકળી ગયા હતા. તેમની માતા તેમના ભાઈને ત્યાં 10મીએ ઘર બંધ કરી ગયા હતા. વિવેકભાઈ નોકરીએથી સાંજે 6-30 વાગ્યે ઘરે આવ્યા હતા. તેઓએ ઘરે આવતા જોયું તો ઘરના મુખ્ય દરવાજાને મારેલ તાળું તૂટેલી હાલતમાં હતું.

તેમણે ઘરમાં પ્રવેશ જોતા ઘરમાં સામાન અસ્ત વ્યસ્ત હતો અને કબાટનું તાળું પણ તૂટેલી હાલતમાં હતું. તેમણે કબાટમાં તપાસ કરતા આઠ તોલા સોનાના દાગીના ગાયબ જણાયા હતા. જેથી તેમણે નવસારી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. જેને પગલે નવસારી ગ્રામ્ય પોલીસના ઈનચાર્જ પીઆઈ ટી.આર. ચૌધરી સ્ટાફ સાથે ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. 

બંધ ઘરમાંથી ચોરટાઓ શું-શું લઈ ગયા
ચોરટાઓ ઘરમાંથી 1 સોનાનું મંગળ સૂત્ર કિંમત રૂ.57500, 2 સોનાની ચેઈન કિંમત રૂ. 57500, ચાર જોડી સોનાની બુટ્ટી કિંમત રૂ.46000 અને બે સોનાની વીટી કિંમત રૂ.23000 ચોરી ગયા હતા.

22થી વધુ ચોરીની ઘટના નોંધાઈ
જ્યાં ચોરી થઇ તે વિસ્તાર 24 કલાક ધમધમતો હતો અને આ પવન એપાર્ટમેન્ટની આગળ શોપિંગ સેન્ટર હોય અવરજવર સતત રહે છે. જેથી ચોરટાઓએ ચોરીને અંજામ આપી પોલીસને સીધો પડકાર આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. જોકે 2 માસમાં નવસારી, જલાલપોર અને ગ્રામ્ય પોલીસની હદમાં 22થી વધુ ચોરી થયાની ઘટના નોંધાઈ છે.

ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરાશે
કાલીયાવાડીમાં થયેલ ચોરીની ઘટનામાં પરિવાર નોકરીયાત હોય તેઓનું ઘર 11 વાગ્યા પછી બંધ હોય તેનો લાભ લઈને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. હાલમાં આ ઘટનામાં આસપાસની જગ્યાએ સીસીટીવી કેમેરા છે ત્યાંથી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરવામાં આવશે. - ટી.આર. ચૌધરી, પીઆઈ, નવસારી ગ્રામ્ય

11 July 2019

નવસારીમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા થાણા, સરબતિયા અને ટાટા તળાવની કાયાપલટ કરી દેવાશે


નવસારીના દુધિયા તળાવ, દેસાઈ તળાવ ઉપરાંત શહેરના અન્ય ત્રણ તળાવ સરબતિયા તળાવ, થાણા તળાવ અને ટાટા તળાવની અંદાજે 4 કરોડ રૂપિયાના ખર્ચે કાયાપલટ કરી પીવાના પાણી માટે સંગ્રહલક્ષી બનાવાશે. આ કામને પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીએ મંજૂર કરી દીધુ છે.

નવસારી શહેરની નહેર આધારિત મધુર જળ યોજનામાં ચાલુ સાલ શહેરના બે તળાવોની પાણીની સંગ્રહક્ષમતા ઓછી હોવાના કારણે ભારે મુશ્કેલી પડી હતી અને શહેરમાં પાણીકાપ 7-8 મહિનાથી મુકવામાં આવ્યોછે. પાણીની સમસ્યા હલ કરવા અગાઉ જ પાલિકાએ જલાલપોરના દેસાઈ તળાવ સાથે થાણા તળાવને, દુધિયા તળાવને સરબતિયા તળાવ અને ટાટા તળાવ સાથે જોડવાનો નિર્ણય લીધો હતો અને તેનું ટેન્ડરિંગ પણ થઈ ગયું છે.

તળાવો જોડવાનો નિર્ણય તો લીધો પરંતુ આ ત્રણ તળાવો થાણા તળાવ, સરબતિયા તળાવ અને ટાટા તળાવ (શાકમાર્કેટ નજીક)ને દુધિયા તળાવની જેમ પીવાના પાણીના સંગ્રહલાયક હાલ ન હોય તે બનાવવા જરૂરી છે. માટે તળાવોને ઉંડા કરી પીવાના પાણીના સંગ્રહલાયક બનાવવાનો નિર્ણય લીધો છે. જે માટે 4 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. જેમાં ટાટા તળાવમાં 2 કરોડ, થાણા તળાવમાં દોઢ કરોડ અને સરબતિયા તળાવમાં 45 લાખનો ખર્ચ થશે. આ પ્રોજેકટનો રિપોર્ટ કન્સલ્ટન્સી સ્થપતિ ઈન્ડિયાએ આપ્યો છે. જે કામ પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે.

ત્રણેય તળાવમાં લેકફ્રન્ટ પ્રોજેકટ
જે ત્રણ તળાવોની કાયાપલટ થનાર છે. એમાં ત્રણેય તળાવોમાં લેકફ્રન્ટ પ્રોજેકટ કરાયો છે. સરબતિયા અને થાણા તળાવમાં પૂર્ણ થયો છે. જ્યારે ટાટા તળાવમાં તેનું આયોજન કરાયું છે. આ તળાવો હાલ માત્ર જળસંચય, બ્યુટીફિકેશન પૂરતા જ સિમિત છે.

નહેરનું રોટેશન લંબાઈ તો પણ વાંધો ન આવશે
ડેમમાં ઓછુ પાણી હોવાના કારણે તાજેતરમાં નહેરનું પાણી ઘણાં દિવસો બાદ મળે છે જેથી પાણી યોજનાના હયાત બે તળાવોમાં પાણી ખુટી જતા મુશ્કેલી પડે છે. હવે વધુ ત્રણ તળાવો પાણી યોજના સાથે સંકળાતા નહેરનું પાણી વિલંબથી મળે તો પણ વાંધો આવશે નહીં.

સરકાર પાસે ગ્રાંટ માંગવામાં આવશે
તળાવના આ પ્રોજેકટથી ડ્રેનેજ, વરસાદનું પાણી તળાવમાં આવશે નહીં અને શહેરના પીવાના પાણી માટે ઉપયોગી બનશે. આ માટે જે ખર્ચ થનાર છે તે માટે સરકાર પાસે ગ્રાંટ માંગવામાં આવશે. સરકાર તળાવની યોજનામાં ગ્રાંટ આપે છે. પ્રેમચંદ લાલવાણી, ચેરમેન, એક્ઝિ. કમિટી, નવસારી પાલિકા

કઈ કામગીરીથી શું ફાયદો થયો
 • ત્રણેય તળાવમાં પ્લાસ્ટીક પાથરી H.D.P.E લાઈનિંગ કરાશે, જે દુધિયા તળાવમાં કરાયું હતું. 
 • અંદાજે 1થી દોઢ મીટર તળાવ ઉંડા કરાશે. 
 • પીચીંગની કામગીરી પણ થશે. 
 • તળાવને ડીવોટરીંગ કરી સુકુ કરાશે. 
 • પ્રોજેકટથી તળાવનું પાણી જમીનમાં પચશે નહીં. 
 • બહારનું પાણી અંદર આવશે નહીં અને અંદરનું પાણી બહાર જશે નહીં. 
 • આયોજન : પીવાના પાણીના સંગ્રહાલય બનાવવા પ્લાસ્ટિક પાથરવા એચડીપીઈ લાઈનિંગ કરાશે

10 July 2019

કાલીયાવાડી કોળીવાડમાં વરસાદી પાણીના નિકાલની જગ્યાએ પુરાણ


નવસારીના અડીને આવેલા કાલીયાવાડીના કોળીવાડ ખાતે રહેતા 8 પરિવારોના ઘરનાં વાડામાંથી વરસાદી પાણીનો નિકાલ થતો હતો. એ જગ્યા ઉપર જમીન માલિકે દિવાલ બનાવી પુરાણ કરી દીધું હતું, જેને પગલે છેલ્લા 7 વર્ષથી કેટલાક પરિવારના ઘરમાં વરસાદી પાણી ભરાઈ જાય છે.

કાલીયાવાડી કોળીવાડ ખાતે 8 પરિવાર રહે છે. તેમના ઘરની પાછળ આવેલા વાડામાંથી વરસાદી પાણી જવા માટેનો રસ્તો હતો. આ જમીનનું વેચાણ થતા જમીનનાં માલિકે 2012માં દિવાલ બાંધી પુરાણ કરી દીધું હતું. જેને કારણે વરસાદી પાણી નિકાલનો રસ્તો બંધ થયો હતો, જેના કારણે પરિવારોએ વાડાના ભાગમાં પુરાણ કરી દીધું હતું. જેથી ઈશ્વરભાઈ પટેલ અને રમીલાબેન પટેલના ઘરના વાડામાં વરસાદી પાણી ભરાય છે. વરસાદી પાણીનો ભરાવો થતા તેમણે બાથરૂમ અને શૌચાલયને ઘરનાં આગળનાં ભાગમાં ખસેડવાની ફરજ પડી છે. ચોમાસામાં ભારે વરસાદ પડતા ઘરની અંદર પાણી ભરાઈ છે.

ઘરમાં સાપ આવી જાય છે
વાડામાં પાણી ભરાવાથી અમારે બાથરૂમ અને શૌચાલય પુરાણ કરીને ઊંચા કરવા પડ્યા છે. પાણી ભરાવાથી ઘરમાં સાપ પણ આવી ગયો હતો. આ પાણીનો નિકાલ કરવા માટે ગ્રા.પં. યોગ્ય કરે તે જરૂરી બન્યું છે.  રમીલાબેન પટેલ, અસરગ્રસ્ત, કાલીયાવાડી-કોળીવાડ

7 વર્ષથી વરસાદી પાણીનો ભરાવો
અમારા વાડાનું પાણી નિકાલવાળી જગ્યાએ ખાનગી જમીન માલિકે દિવાલ બાંધી દેતા અમારા ઘરના વાડામાં વરસાદી પાણીનો ભરાવો 7 વર્ષથી થઇ રહ્યો છે. વધુ વરસાદ પડતા પાણી ઘરમાં આવી જાય છે. અમારે શૌચાલય વાડામાંથી ખસેડીને ઘરના આંગણામાં બાંધવું પડ્યું છે. - ઈશ્વર પટેલ, અસરગ્રસ્ત

અંત લાવવા પ્રયાસ કરીશું
અમને આ મુશ્કેલીની જાણ છે. અમો ઘરમાલિકને જણાવ્યું કે ઘરમાંથી પાઈપલાઈન નાંખીને આ વરસાદી પાણીની લાઈનને ગટરમાં જોડાણ આપી દઈએ. તેઓ આ વાત સમજતા નથી. જમીનના માલિકે દિવાલ બાંધતા તેને પણ જણાવ્યું છે. જરૂરી કાર્યવાહી હાથ ધરીને મુશ્કેલીનો અંત લાવવા પ્રયાસ કરીશું. - પરેશ પટેલ, પૂર્વ સરપંચ-હાલના સરપંચપતિ, કાલીયાવાડી

શાળા પરિસરમાં ચાલતું શેલ્ટર હોમ વિવાદમાં


નવસારી લક્ષ્મી ટોકીઝ નજીક પ્રાથમિક શાળામાં શરૂ કરાયેલા શેલ્ટર હોમ સામે વિરોધ ઉઠયો છે. આ વિસ્તારના ચૂંટાયેલા કાઉન્સિલરે જ શાળામાં શેલ્ટર હોમ રાખવાનો વિરોધ કર્યો છે.

સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કોઈપણ વ્યક્તિ 'આશ્રયસ્થાન'વિનાનો રહેવો જોઈએ નહીં. આશ્રયસ્થાન વિનાના વ્યક્તિ માટે શહેરોમાં આશ્રયસ્થાન (શેલ્ટર હોમ) બનાવવાના દિશાનિર્દેશ અપાયા હતા. આ દિશાનિર્દેશ હેઠળ અહીંની નવસારી પાલિકાએ શહેરમાં શેલ્ટર હોમનું મકાન બનાવવાનો નિર્ણય લીધો હતો. જોકે નવુ મકાન બને તે પહેલા કામચલાઉ ધોરણે લક્ષ્મી ટોકીઝ નજીક કન્યાશાળા 4ના મકાનમાં શેલ્ટર હોમ શરૂ પણ કરી દીધુ હતું.

અહીં કન્યાશાળા 4ની સાથે મિશ્રશાળા 3ના બાળકો પણ ભણે છે અને ત્યાં કેટલાક આશ્રયસ્થાન વિનાના પણ રહે છે. જોકે શાળાના મકાનમાં શેલ્ટર હોમ શરૂ કરવા સામે આ વિસ્તારના ચૂંટાયેલા પાલિકાના મહિલા કાઉન્સિલર પ્રભાબેન વલસાડીયાએ વિરોધ કર્યો છે. મંગળવારે મળેલી પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીની બેઠકમાં પણ પ્રભાબેને જ્યાં નાના બાળકો ભણે છે ત્યાં શેલ્ટર હોમ શરૂ કરવા સામે સવાલ કરી વિરોધ દર્શાવ્યો હતો.

દશેરા ટેકરીમાં વિરોધ થયો હતો
નવસારી પાલિકાએ દશેરા ટેકરી વિસ્તારમાં શેલ્ટર હોમનું નવું મકાન બનાવવાનો નિર્ણય કર્યો હતો અને તેની જાહેરાત પણ કરી હતી. જોકે આ વિસ્તારના રહીશોએ ત્યાં શેલ્ટર હોમ બનાવવાનો ભારે વિરોધ કર્યો હતો.

9 July 2019

વિજલપોર રેલવે ઓવરબ્રિજ માટે હજી જમીન સંપાદિત થઇ નથી ત્યાં ટેન્ડર નીકળી પણ ગયું!


વિજલપોરના રેલવે ઓવરબ્રિજમાં હજુ જમીન સંપાદનની પ્રક્રિયા આગળ ધપાવાઈ નથી ત્યાં ઓવરબ્રિજના કામ માટેનું ટેન્ડર નીકળી ગયું છે. વિજલપોર રેલવે ફાટક ઉપરથી ઓવરબ્રિજ બનાવવાની વાતોા 8-10 વર્ષથી ચાલે છે. છતાં આજદિન સુધી બ્રિજનું કામ શરૂ થયું નથી. હાલ જ્યારે રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સમસ્યા વધી છે ત્યારે રેલવે ઓ‌વરબ્રિજ બનાવવાની માગ પ્રબળ બની છે.

દરમિયાન રેલવે ઓવરબ્રિજના કામ માટેના ટેન્ડરો નીકળી ગયાની જાણકારી મળી છે. મહેસાણાની એક પાર્ટીના સૌથી નીચા ભાવ રૂ. 40.08 કરોડ (7.55 ટકા ઉંચા) હોવાની પણ આધારભૂત જાણકારી મળી છે. અહીં ઉલ્લેખનીય છે કે વિજલપોરના રેલવે ઓવરબ્રિજ માટે વધુ જમીન સંપાદન કરવી પડી એમ છે. આ સંપાદનની કામગીરી હજુ પ્રાથમિક કક્ષાએ જ છે અને નક્કર કામગીરી શરૂ થઈ નથી. આમ છતાં સરકારે ઓ‌વરબ્રિજ માટે ટેન્ડરિંગની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.

પશ્ચિમે કામ શરૂ કરી દેવાશે?
વિજલપોરના રેલવે ઓવરબ્રિજ માટે હજુ જમીન સંપાદન કરાઈ નથી ત્યાં બ્રિજનું કામ શરૂ કરવાનો સરકારે ઈરાદો જાહેર કરી દીધો છે. આ અંગે મળતી માહિતી મુજબ મહત્તમ સંપાદન પૂર્વ વિભાગમાં જ કરવું પડશે, પશ્ચિમ ભાગે તો ખૂબ ઓછુ સંપાદન છે. આ સ્થિતિમાં શક્ય છે કે તંત્ર પશ્ચિમ વિભાગે બ્રિજનું કામ શરૂ કરી શકે છે.

ટેન્ડર 'એપ્રુવલ'માં છે
રેલવે ઓવરબ્રિજના ટેન્ડર નીકળી ગયા છે એ વાત સાચી છે પરંતુ હજુ 'એપ્રુવલ' માં છે. ઉપરના લેવલેથી કામગીરી થઈ રહી છે. જમીન સંપાદનની કામગીરી પણ સાથોસાથ જ ચાલશે. - ધર્માબેન ભટ્ટ, નાયબ કાર્યપાલક ઈજનેર, નેશનલ હાઈવે (પેટા ‌વિભાગ)

કામ જલદીથી શરૂ કરાય એ જરૂરી
રેલવે ઓવરબ્રિજ માટે જમીન સંપાદનનું કામ જલદીથી પૂર્ણ કરાય અને બ્રિજનું કામ જલદીથી શરૂ કરાય તે બાબતની રજૂઆત અમે સંબંધિત વિભાગમાં કરનાર છે. આ કામ વિજલપોરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા ખૂબ જ જરૂરી છે. - જગદીશ મોદી, પ્રમુખ, વિજલપોર પાલિકા

નવસારી પાલિકામાં બોગસ સર્ટિફિકેટ રજૂ કરનારા આર્કિટેક્ટો પણ ભેરવાશે


નવસારી પાલિકા હદ વિસ્તારમાં બાંધવામાં આવેલા આશરે ૩૯ બિલ્ડીંગોને વિવાદાસ્પદ રીતે આકારણી ઇશ્યુ કરવાના પ્રકરણમાં નવસારીના આર્કિટેક્ટોના સર્ટીફીકેટના આધારે તત્કાલીન ચીફ ઓફિસરે આકારણી ઇશ્યુ કરી હોવાનું પાલીકાના સુત્રો જણાવી રહયા છે ત્યારે એ.સી.બી. વિભાગે હાથ ધરેલી તપાસમાં બોગસ સર્ટી. રજુ કરનારા આર્કિટેક્ટો પણ ભેરવાશે એમ લાગી રહયું છે.

નવસારીની ૩૯ બિલ્ડીંગોની આકારણી ઘણા સમયથી કાયદાની ગૂંચમાં ગૂંચવાય હતી. બિલ્ડરો પણ કંટાળ્યા હતા. કારણકે તેમના કરોડો રૂપિયા જે તે બાંધકામ પ્રોજેક્ટમાં ફસાયા હતા. એટલે બિલ્ડરોએ રૂપિયાનો કોથળો ખુલ્લો મુકી દીધો હતો. ગમે તેમ કરી તેમના બિલ્ડીંગોની આકારણી ઇશ્યુ કરી આપવા પાલીકાના અધિકારીઓ અને ચેરમેનો થઇ લઇ મોટાગજના રાજકીય આકાઓ સુધી લાઇન કરી હતી.

બિલ્ડરોની હાલત જાઇને નવસારી પાલીકાના તે સમયના ચીફ ઓફિસર રમેશ જાષીની સાથે વેરા અધિકારી શૈલેષ નાયક અને પાલીકાના ટાઉન પ્લાનીંગ કમિટિના ચેરમેને મોટો ખેલ ખેલી નાંખ્યો હોવાની ચર્ચા ભારે ચાલી હતી. ચીફ ઓફિસર રમેશ જોષીના કાર્યકાળ દરમિયાન શહેરમાં આશરે ૩૯ બિલ્ડીંગોને વિવાદાસ્પદ રીતે આકારણી ઇશ્યું કરી કરોડો રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવ્યુ હોવાના આક્ષેપો થયા હતા. આ ઉઘરાણામાં જે તે બિલ્ડીંગના બિલ્ડરો પાસેથી ફ્લેટ દીઠ પાંચ આંકડાની રકમ નક્કી કરી આખો ખેલ પાર પડાયો હોવાનું પણ સંભળાયું હતું.

ચીફ ઓફિસર રમેશ જાષીએ આશરે ૩૯ બિલ્ડીંગોની વિવાદાસ્પદ રીતે આકારણી ઇશ્યુ કરી આર્થિક હિત સંતોષી પાલીકાની તિજારીને નુકશાન કરવા બાબતે અને ભ્રષ્ટાચાર આંચરવા અંગે એ.સી.બી.ને થયેલી ફરિયાદ બાદ નવસારી એસીબીની ટીમે આ સમગ્ર પ્રકરણમાં તપાસ હાથ ધરી છે. જે તપાસ હાલ ચાલું છે. ત્યારે આ આકારણી પ્રકરણમાં આર્કિટેક્ટોએ બોગસ સર્ટીફિકેટો પાલીકામાં રજુ કર્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. અને આ સર્ટી.ના આધારે ચીફ ઓફિસર રમેશ જાષીએ ૩૯ બિલ્ડીંગોની આકારણી ઇશ્યુ કરી હતી. જા આ હકીકત સાચી ઠરે તો, નવસારી એ.સી.બીની તપાસમાં આર્કિટેક્ટો પણ ભેરવાશે એમ લાગે છે.

8 July 2019

જલાલપોરમાં ભર બપોરે બંધ ઘરમાંથી 5 લાખની મતાની ચોરી


નવસારીમાં ચોરીની ઘટના સતત બની રહી છે. જલાલપોર વિસ્તારમાં આજે રવિવારે સવારે ગૌરી શંકર મહોલ્લા ખાતે રહેતું મિસ્ત્રી દંપતી સામાજિક કામ અર્થે બહાર ગયો હતો. આ તકનો લાભ લઈને અજાણ્યા તસ્કરોએ ઘરના પાછળના દરવાજાની સ્ટોપર કોઈ સાધન વડે તોડીને ઘરમાં પ્રવેશીને રૂ. 2.5 લાખના સોનાના દાગીના અને રૂ. 2.50 લાખ રોકડા મળી કુલ રૂ. 5 લાખની મતાની ચોરી કરી ગયા હતા.

જલાલપોરના ગૌરીશંકર મહોલ્લા ખાતે શાકમાર્કેટ પાસે નટવરલાલ પ્રભુભાઈ મિસ્ત્રી પત્ની સાથે રહે છે. તેમનો એક પુત્ર બરોડા અને એક વિદેશ રહે છે. તેઓ લેથ મશીનનું કારખાનું ધરાવે છે. આજે રવિવારે તેઓ સવારે 7 વાગ્યે વલસાડ ખાતે સામાજિક પ્રસંગ હોય પતિ-પત્ની ગયા હતા. જ્યાંથી તેઓ પ્રસંગ પતાવીને સાંજે 6.45 વાગ્યાનાં અરસામાં તેઓ ઘરે આવ્યા હતા.

તેમણે ઘરનું તાળું ખોલ્યું હતું પરંતુ દરવાજો અંદરથી બંધ હોય તેઓએ પડોશીઓને જાણ કરી હતી. તેમણે પડોશીઓની મદદથી ઘરનો દરવાજો તોડીને જોતા ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો હતો અને ઘરમાં તપાસ કરતા કબાટ તૂટેલી હાલતમાં જોયા હતા. તેમણે કબાટમા તપાસ કરતા સોનાના દાગીના કિંમત રૂ. 2.50 લાખ તેમજ ઘરના રીપેરિંગ માટે લાવેલા રૂ. 2.50 લાખ રોકડા પણ ગાયબ હતા. તેમણે તુરંત જલાલપોર પોલીસ મથકમાં તેમના ઘરે ચોરી થઈ હોવાની જાણ કરી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ વિસ્તારમાં અગાઉ પણ ચોરીની ચાર ઘટના
જલાલપોરમાં આ જ વિસ્તારમાં અગાઉ પણ ભર બપોરે ચાર ચોરીની ઘટના બની હતી. આ તમામ ચોરીની મોડસ ઓપરેન્ડી એકસરખી જ છે. ચોરી કરતા પહેલા દરવાજો અંદરથી બંધ કરી દે છે અને ઘરની લાઈટ ચાલુ કરીને બિન્દાસ્ત ચોરીને અંજામ આપે છે.

તસ્કરો બંધ ઘરમાંથી શું શું ચોરી ગયા?
મિસ્ત્રી પરિવારના ઘરમાંથી તસ્કરો સોનાનાં બે સેટ, સોનાની બંગડી (2 નંગ), 1 નંગ સોનાની ચેન, 3 નંગ વીટી મળી કુલ રૂ. 2.50 લાખના દાગીના અને રૂ. 2.50 લાખ રોકડા ચોરી ગયા હતા.

કેવી રીતે ચોરી કરવામાં આવી?
જલાલપોર ખાતે થયેલી ચોરીમાં તસ્કરોએ ઘરના પાછળના ભાગે આવેલી દિવાલથી પ્રવેશ કરીને પાછળનો દરવાજો તોડવાની કોશિશ કરી હતી પરંતુ દરવાજો તૂટ્યો ન હતો. તસ્કરોએ બાગના કામ માટે મુકેલી કોદાળી વડે સ્ટોપર ખોલીને પ્રવેશ કર્યો હતો.

નવસારીના વોર્ડ નં. 11ના પોશ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયાં


નવસારીમાં હાલમાં પડી રહેલા વરસાદને કારણે વોર્ડ નં. 11માં આવેલ પોશ વિસ્તારમાં ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાયાં હતાં. આ પાણી ભરાવાના મુખ્ય કારણમાં વરસાદી પાણીના નિકાલ માટેની જગ્યા ઉપર પાલિકા દ્વારા યોગ્ય વ્યવસ્થા કરાઈ નથી. આ ભરાયેલા પાણીનો યોગ્ય નિકાલ ન થાય તો અનેક સમસ્યા ઉભી થાય એમ છે. આ વિસ્તારના નગરસેવકોએ વારંવાર નગરપાલિકામાં વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી પરંતુ કોઈ પગલાં ન ભરાતાં પોશ વિસ્તાર પાલિકાના પાપે બેટ બની ગયો છે.

નવસારી શહેરમાં આવેલા વોર્ડ નં. 11ના પોશ વિસ્તારમાં છેલ્લાં 10 વર્ષમાં બહુમાળી ઈમારતોનું નિર્માણ થયું છે. જેને પગલે બાંધકામ થતા પાણીનાં નિકાલ માટેની ખાડી હતી તે સમયાંતરે સાંકડી થઈ ગઈ હતી. હાલમાં વરસાદી પાણીની ખાડીમાં નાના સિમેન્ટના ભૂંગળામાં સમાઈ ગઈ છે. જેના પગલે આ વિસ્તારમાં નવા બનેલાં 40થી વધુ એપાર્ટમેન્ટ બેટમાં ફેરવાયા છે. આ વિસ્તારમાં જૈન સમાજનું દેરાસર (બાવન જિનાલય), લેઉઆ પાટીદાર સમાજની વાડી આવેલી છે.

નગરના મોભીઓ તેમજ સામાન્ય મધ્યમ વર્ગના રહીશો રહે છે. હાલમાં નવસારીમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા અવિરત વરસાદને કારણે આ પાણીના નિકાલ માટેની જગ્યા ન હોવાને કારણે આ પાણી ખાલી પ્લોટ અને રસ્તા ઉપર ઘેરાઈ ગયું છે. આ વિસ્તારના નગરસેવકો દ્વારા પાલિકામાં વારંવાર રજૂઆત કર્યા બાદ પણ પગલાં ન લેવાતાં આજે આ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. જેને પગલે આ પાણીનો નિકાલ ક્યારે થશે એ સવાલ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે.

પાણીનો નિકાલ ન થતાં રોગચાળાનો ભય
વોર્ડ નં. 11ના પોશ વિસ્તાર પાણીના યોગ્ય નિકાલને અભાવે બેટ બન્યા છે. પાણીના નિકાલના અભાવે પાણીજન્ય રોગચાળો ફેલાવાની દહેશત અહીં રહેતા સ્થાનિકોમાં ફેલાઈ છે.

4 વર્ષથી રજૂઆત કરી છે પણ ધ્યાન નથી અપાયું, પાલિકાના શાસકો જ બેદરકાર
નવસારી શહેરનો વોર્ડ નં. 11 વિકાસ પામતો વિસ્તાર છે, તેના ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. છેલ્લા 4 વર્ષની સામાન્ય સભાથી લઈને પાલિકામાં મૌખિક તેમજ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ વોર્ડ અમારો (કોંગ્રેસ)નો વિસ્તાર હોવાને કારણે કે હાલનાં પાલિકાના શાસકોની અણઆવડતને આ પરિસ્થિતિનું નિર્માણ થયું એ પ્રશ્ને છે. - ધવલકીર્તિ દેસાઈ, નગરસેવક, વોર્ડ નં. 11

7 July 2019

નવસારીના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયો


એક સમયે ડાયમંડ સિટી તરીકે ઓળખતા નવસારી શહેર ને પણ હીરાની મંદીનો માહોલ છેલ્લા 6 માસથી જોવા મળ્યો છે. વેકેશન પહેલા હીરાનાં કારખાનાઓ ખુલશે અને ત્યારબાદ હીરામાં તેજી આવશે તેમ માનનારા લોકોને હજુ દિવાળી સુધી હીરામાં તેજીનો માહોલ જોવા મળશે નહીં તેમ હાલ વૈશ્વિક મંદીના વાતાવરણથી લાગી રહ્યું છે. જેમાં સિન્થેટીક હીરાના બજારમાં વધી રહેલા ચલણે અસલી હીરાના વ્યાપારમાં મંદીનો માહોલ સર્જ્યો હોય એમ હાલ લાગી રહ્યું છે. જો કે સરકારની હીરા વિકાસની નીતિ પણ અમુક અંશે નાના કારખાનેદારોને મંદીનો માહોલ દઝાડી રહ્યો છે. શહેરમાં 200થી વધુ કારખાનામાં 40 હજારથી વધુ રત્નકલાકારો નભી રહ્યા છે.

નવસારી સંસ્કારી નગરી પહેલા મિની ડાયમંડ સિટી તરીકે ઓળખાતું હતું, જેમાં લોકો સરકારી નોકરી પહેલા હીરા ઉદ્યોગમાં જવા હંમેશા તૈયાર રહેતા હતા. નવસારીમાં પહેલા નાની રૂમોમાં 4 ઘંટી કે 8 ઘંટીના હિરાના કારખાના શરુ થયા હતા અને મોટાભાગે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના લોકો નવસારી અને સુરત ખાતે હીરાના વ્યવસાયને અપનાવી લેવા આવ્યા હતા. એ વખતે હીરાની ચમક એટલી તેજ હતી કે લોકો સરકારી નોકરી છોડીને પણ હીરા ઘસવા માટે તત્પર હતા પરંતુ છેલ્લા ઘણા વખતથી હીરા ઉદ્યોગમાં પહેલા ગુજરાતના સુરત અને નવસારીનું નામ હતું.

તેમાં વૈશ્વિક મંદીનો માર પડતા આજે હીરા ઉદ્યોગમાં તેજી કરતા સામાન્ય રીતે કારખાના ચાલે અને કારીગરોને પગાર મળે તેટલું જ બસ હોવાથી કારખાનાનાં માલિકો કમને પણ પોતાનો હીરાનો વ્યવસાય આટોપી રહ્યા છે તેવું કપિલ કસવાળા, શામજીભાઈ એ જણાવ્યું હતું. ઉપરાંત સરકારની ઉદાસીન અને અને જેના મૂળ કારણમાં હીરા ઉદ્યોગના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિ પણ માનવામાં આવી રહી છે.

નવસારી હીરા ઉદ્યોગમાં ચડતી પડતીનવસારીના રત્નકલાકરોને ભાવ ન મળતા સુરત તરફ જઈ રહ્યા છે. નવસારીમાં ત્રણ જેટલી મોટી હીરાની ફેકટરીઓ હતી તેમાં એક દિવાળી પહેલા સુરત ખાતે ખસેડવામાં આવી હતી. વિજલપોરના 50 ટકાથી વધુ લોકોનો પરિવાર હીરા ઉદ્યોગ પર ટકેલો છે. નવસારીમાં એક સમયે મધ્ય વિસ્તાર સત્તાપીર વિસ્તારની ગલી ડાયમંડના વેપારીઓથી ભરચક રહેતી હતી, અનેક કાંટી હતી. આજે માત્ર ડાયમંડ હોલ જ ડાયમંડ માટે દેખાઈ રહ્યો છે. હીરાના વેપારીઓ ડાયમંડના સુરત ખાતે આવેલ મિની બજાર અને મહિધરપુરા ખાતે હીરાના ખરીદ વેચાણ માટે જાય છે. 

ઓછું કામ મળતાં બેકાર જેવી પરિસ્થિતિ
નવસારીને જ કર્મભૂમિ બનાવી છે. રત્ન કલાકાર તરીકે 10 વર્ષથી કામ કરું છું અને 28 હજાર પગાર તેજીના સમયમાં હતો. મંદીના માહોલમાં કામ કોઈ વાર મળે છે પરંતુ પહેલા જેવું ન મળતા અડધું જ અને માત્ર એક જ કલાક કામ થાય છે. પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવીએ એ મૂંઝવણ છે. - પિયુષ વાળા, રત્નકલાકાર, નવસારી

આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 1 વર્ષથી મંદીનો માહોલ
સરકાર દ્વારા કોઈ પણ પેકેજ કે સબસિડી મળતી નથી. જો નાના વેપારીઓને મશીનરી ઉપર સરકારી લોન કે પેકેજ મળે તો ધંધો ચાલુ રાખી શકે એમ છે. 1પેમેન્ટ આવતું નથી. 15 દિવસથી નાના કારખાના શરુ થયા છે. દિવાળી સુધી અસર રહેવાની શક્યતા નકારી શકાય નહીં. - કમલેશ માલાની, પ્રમુખ, નવસારી ડાયમંડ મર્ચન્ટ એસો.

આ મંદીનો સામનો કરવો મુશ્કેલ છે
નવસારીમાં રત્ન કલાકાર તરીકે આવ્યો હતો. છેલ્લા 25 વર્ષમાં મંદીનો માહોલ આજ જેટલો ખરાબ ન હતો. વર્ષ 2008માં હીરા ઉદ્યોગમાં જે ભયંકર મંદી આવી હતી તેનો સામનો કરેલો પણ આ મંદીનો સામનો કરવો મુશ્કેલ છે. સરકાર હીરા ઉદ્યોગને પેકેજ આપી બચાવી લે તેવો અનુરોધ છે. - કાળુભાઈ વસોયા, કારખાના માલિક, નવસારી

મંદીને કારણે માલનો ભરાવો
નવસારી મિની ડાયમંડ સિટી તરીકેની ઓળખ 1 વર્ષથી ગુમાવી બેઠું છે. બજારમાં મંદીને કારણે માલનો ભરાવો થતો હોય છે અને માલ વેચાતો નથી. 17 હજારનાં કેરેટના હાલ 12થી 13 હજાર બજારમાં માંગ છે. 5 હજારથી વધુ ખોટ કારખાનેદાર સહન કરી ન શકે જેથી કારખાના બંધ થવા લાગ્યા છે. - નીતિન માલવિયા, હીરા વેપારી

6 July 2019

નવસારી સિવિલ હોસ્પીટલમાં માનવતા મરી પરવારી, ચાલી નહીં શકતા દર્દીને વરસાદમાં લઈ જવાયા


સિવિલ હોસ્પીટલમાં ચાલતી લાલીયાવાડી સામે આજે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બે દર્દીઓની સાથે તેના પરિવારજનોએ પણ ભારે પરેશાની ભોગવવી પડી હતી. જેમાં એક ઘટનામાં વ્હીલચેર પર આવેલા દર્દીને લઈ જવા છત્રી ન હોય તેને વરસતા વરસાદમાં ભીંજાતા લઈ જવાયો તો તુરંત જ ડોક્ટરને તેની કાર સુધી મૂકવા વોર્ડબોય છત્રી સાથે જતો નજરે ચઢ્યો. તો બીજી ઘટનામાં લેબરપેઇનથી પીડાતી ગર્ભવતી મહિલાને માટે સ્ટ્રેચર લાવવાનું કહેતા વોર્ડબોયે આ તેનું કામ નથી તેમ કહી ચાલતી પકડાતાં જે રીક્ષામાં આ મહિલાને લવાઈ તે રીક્ષા ચાલક તથા તેના પતિએ તેને ઓપરેશન થીયેટર સુધી લઈ જવી પડી હતી.

સરકારી હોસ્પીટલમાં ગરીબ દર્દીઓ જ આવતા હોય ડોક્ટરો તથા સ્ટાફ તેમની સાથે અમાનવીય વર્તન કરતાં હોવાની બૂમો ઉઠી છે. નવસારી સિવિલ હોસ્પીટલમાં પણ બે ઘટના આજે સામે આવી છે. પોતાને સંવેદનશીલ કહેવડાવતી સરકારના રાજમાં સિવિલ હોસ્પીટલમાં અસંવેદનશીલ ઘટના છતાં યોગ્ય પગલાં ન લેવાયાનું સામે આવ્યું છે.

સિવિલ હોસ્પીટલમાં દાખલ એક બીમાર વ્યક્તિ ચાલી શકતા ન હોય તેને વરસતા વરસાદમાં વ્હીલચેર પર ભીંજાતા લઈ જતાં દ્રશ્યો કેમેરામાં કંડારાયા હતા. તો તુરંત જ સિવિલના ડોક્ટર પોતાની કાર સુધી જવા માંગતા હોય વોર્ડબોય તેને છત્રી લઈને કાર સુધી મૂકવા જતાં જોવાયા હતા. ત્યારે પ્રશ્ન એ થાય કે ખરી છત્રીની જરૂર દર્દીને કે ડોક્ટરને છે. આ બાબતે ડોક્ટર સામે જરૂરી કાર્યવાહી કરાય તેવી માંગ પણ ઉઠવા પામી છે.

તો બીજી એક ઘટનામાં એક ગર્ભવતી મહિલાને લેબર પેઈન થતાં તે તુરંત રીક્ષામાં સિવિલ હોસ્પીટલમાં તેના પતિ સાથે આવે છે. સિવિલના ઇન્ડોર વિભાગના દરવાજા પાસે રીક્ષા ઊભી રાખી તેના પતિએ તુરંત વ્હીલચેર લાવવાનું ત્યાં હાજર વોર્ડબોયને કહેતા તેમણે આ તેનું કામ નથી તેવો નફ્ફટભર્યો જવાબ આપીને ચાલતી પકડી હતી. મહિલાની હાલત જોઈ રીક્ષા ચાલકને દયા આવતા તેણે તથા હોસ્પિટલના વોચમેન કે જેનું કામ નથી છતાં મદદ કરી સ્ટ્રેચર લાવી મહિલાને ઓપરેશન થીયેટર સુધી લઈ ગયા હતા.

સિવિલ હોસ્પીટલમાં છત્રી ન હોય દર્દીને ભીંજાતા જ લઈ જવા પડે: ઈ.આરએમઓ
આ બાબતે સિવિલ હોસ્પિટલના ઈ.આરએમઓ ડો. પટેલને પૂછાતા તેમણે સિવિલમાં સરકાર છત્રી આપતી નથી તેવો મોઘમ જવાબ આપ્યો હતો. અમારી પાસે છત્રી નથી તેથી દર્દીને આજ રીતે લઈ જવી પડે છે. તેમ કહેતા તમારા જવા માટે વોર્ડબોય છત્રી લઈને કેમ દોડયા તેમ પૂછાતા જ વાતને કાપી કાઢી હતી. તો વોર્ડબોય બાબતે તપાસ કરી પગલાં લેવાનું પણ કહ્યું હતું.

મહિલાને લેબરપેઇન વધી જતાં 108ની રાહ ન જોઈ રીક્ષામાં લાવ્યા હતા
નવસારીના રીક્ષા ચાલકે જણાવ્યુ કે મહિલાને લેબરપેઇન વધી જતાં 108ની રાહ જોઈ ન હતી અને મારી રીક્ષામાં જેમતેમ કરી વિજલપોરનું ગરનાળું પસાર કરી લઈ આવ્યો હતો. જો કે વોર્ડબોયે આ તેનું કામ નથી તેમ કહી જતાં રહેતા રીક્ષા ચાલકે સ્ટ્રેચર લાવી મહિલાને ત્રીજા માળે પહોચાડી હતી.

જવાબદારો સામે કડક પગલાં લેવાની ખાત્રી આપતા ધારાસભ્ય પિયુષ દેસાઈ
આ બાબતે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ આ અમાનવીય કૃત્યને વખોડીને જવાબદારો સામે કડક પગલાં લેવાની ખાત્રી આપી હતી. તેમણે સિવિલની બંને બીલ્ડીંગો વચ્ચે શેડ બનાવવાની વાતો પણ કરી જેથી દર્દીઓ વરસાદમાં ભીંજાય નહી.

ટ્રાફિક સમસ્યાથી ફૂટપાથ બન્યો રસ્તો, ફૂટપાથ ઉપરથી વાહનોની અવરજવર શરૂ થઇ


વિજલપોરમાં વકરેલી રેલવે ફાટક વિસ્તારની ટ્રાફિક સમસ્યાએ અહીંના 4 થી 6 ઈંચ ઉંચાઈએ બનાવેલા ફૂટપાથને પણ વાહન ચાલકો એ રસ્તો બનાવી દીધો છે.

વિજલપોરમાં ચોમાસામાં વરસાદ પડતાં રેલવે ફાટક નજીકના ગરનાળામાં પાણી ભરાઈ જાય છે, જેને કારણે અહીંથી થતી વાહનોની અવરજવર બંધ થઈ જાય છે.જેથી ફાટકના રસ્તે વાહનોનો ધસારો વધી જાય છે. હાલમાં વળી નવી સમસ્યા ઉભી થઇ છે.

વિજલપોરથી નવસારી સ્ટેશન જતા માર્ગ ઉપર સ્ટેશન મસ્જિદ નજીક ડ્રેનેજમાં મોટું ભંગાણ પડ્યું છે. તેનું રીપેરીંગ કામ શરૂ કરતાં સ્ટેશન માર્ગ બંધ થયો છે, જેને લઈને ઉક્ત માર્ગનો ઘણો વાહન વ્યવહાર વિજલપોરની રેલવે ફાટકના માર્ગે જ ડાયવર્ટ થયો છે, જેથી વિજલપોર ફાટકે હાલ ટ્રાફિક સમસ્યા વકરી છે.

ફાટક નજીક ના માર્ગ ઉપર અવારનવાર દિવસ દરમિયાન ટ્રાફિક જામ થાય છે.અહીં ભારે ટ્રાફિકના કારણે માર્ગ ઉપર થી પસાર થવું મુશ્કેલ થતા નાછૂટકે અનેક વાહનચાલકો એ અવરજવર માટે નજીકના ફૂટપાથ નો ઉપયોગ કરવા માંડ્યો છે. સામાન્યતઃ ફૂટપાથ પગપાળા ચાલવા માટે જ હોઈ છે પરંતુ વિજલપોર ફાટક વિસ્તારમાં પગપાળાની સાથે વાહનો પણ પસાર થતા જોવા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો ફૂટપાથ પણ અહીં રસ્તો જ બની ગયો છે.

5 July 2019

નવસારીમાં જગન્નાથજીની રથયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાયા


નવસારીનાં સત્તાપીર પાસે આવેલા રણછોડરાયજીનાં મંદિરથી ગુરૂવારે સાંજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી હતી. જે રથયાત્રા સત્તાપીરથી નીકળી ટાવર, કંસારવાડ, લાયબ્રેરી રોડ, નવસારી નગરપાલિકા થઇ સત્તાપીર રણછોડરાયજીના મંદિરે પહોચી હતી.

આ રથયાત્રામાં નવસારી નગરપાલિકાના પ્રમુખ કાંતુભાઇ પટેલ, ભાજપ અગ્રણી રમેશભાઇ હિરાણી સહિત અન્ય શ્રધ્ધાળુઓએ ભગવાન રણછોડરાયજીનો રથ ખેચ્યો હતો. સાથે જ નવસારી શહેર રણછોડરાયના નાદથી ભક્તિમય બન્યુ હતુ. આ રથયાત્રાના અનેક શ્રધ્ધાળુઓ દર્શન કરી પાવન થયા હતા.

દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડતાં મેઘાએ ભગવાન જગન્નાથજી પર જાણે અભિષેક કર્યો હોય એવું ફલિત થઇ રહયું હતું.

Photo credit: Rajesh Rana (Satya Prahari News)

ડ્રેનેજમાં 150 ફૂટનું ડેમેજ, લોકો ફરી સલવાયા


નવસારી શહેરના મુખ્ય માર્ગ નીચેથી પસાર થતી વિજલપોરની ડ્રેનેજમાં 150 ફૂટની 'મેગા ડેમેજ' (ભંગાણ) બહાર આવ્યું છે અને તેને લઈને તૂટી ગયેલા 25 પાઈપો બદલવા પડશે. આ મેગા ડેમેજની મરામત શરૂ કરતા મુખ્ય માર્ગ બંધ થતા હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નવસારી કોટન મિલથી રેલવે સ્ટેશન જતા માર્ગ નીચેથી પસાર થતી વિજલપોર શહેરની ડ્રેનેજ લાઈન સ્ટેશન મસ્જિદ વિસ્તારમાં કેટલાક દિવસથી ચોકઅપ થઈ ગઈ છે. આ ચોકઅપ લાઈનની ચકાસણી કરતા પાલિકાને ડ્રેનેજમાં ભંગાણ દેખાયું હતું.

આ ડ્રેનેજના તૂટી ગયેલા પાઈપોની જગ્યાએ નવા પાઈપ નાંખવાની કામગીરી ત્રણ-ચાર દિવસથી શરૂ કરાઈ છે. આ કામગીરી દરમિયાન ડ્રેનેજમાં 150 ફૂટનું મેગા ડેમેજ (મોટુ ભંગાણ) બહાર આવ્યું છે અને એક પછી એક નવા પાઈપો નાંખવા પડી રહ્યા છે. સાડા 6 ફૂટથી વધુ લંબાઈના 22થી વધુ પાઈપો નાંખવા પડશે. ડેમેજ ડ્રેનેજમાંથી પસાર થતુ પાણી અન્ય લાઈનથી જલાલપોર તરફ ડાયવર્ટ થયું છે.

ડ્રેનેજના આ મેગા ડેમેજે નવસારી-વિજલપોરના પશ્ચિમ ભાગનો સિનારીયો અને રોજનીશી જ બદલી નાંખી છે. વિજલપોરથી નવસારી રેલવે સ્ટેશનનો માર્ગ ડ્રેનેજની કામગીરીથી બંધ થતા અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. આ વાહનચાલકોનો સઘળો ભાર વિજલપોર રેલવે ફાટકેથી પસાર થતા રોડ ઉપર ગયો છે જેને લઈને ફાટકે દિવસમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. જે વિસ્તારમાં ડ્રેનેજનું કામ થઈ રહ્યું છે ત્યાંના રહીશોની તો હાલત ખરાબ થઈ ગઈ છે.

અમારી હાલત તો કફોડી છે
અમારા વિસ્તાર નજીક જ ડ્રેનેજનું કામ ચાલી રહ્યું હોય અમારી હાલત તો ભારે કફોડી છે. જો દર્દીને દવાખાને લઈ જવું હોયતો અહીં વાહન આવે તેમ પણ નથી. માર્ગ લપસણો પણ બન્યો છે. મુસ્લિમ સોસાયટી, સૌરાષ્ટ્ર સોસાયટી, દેવચંદ ચાલ, હિરામેન્શન, લાલચાલ વગેરેમાં રહેનારાની હાલત ખરાબ છે. - ઈબ્રાહીમ સૈયદ, રહીશ, મુસ્લિમ સોસાયટી, નવસારી

મોટા ભંગાણનું કારણ શું?
વિજલપોરની 20 વર્ષ જૂની ડ્રેનેજ લાઈનમાં પડેલા ભંગાણનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એક કારણ નજીકથી પસાર થતી નવસારીની લાઈનમાંથી સતત પાણી ઝરતા માટી ધસી પડી છે અને તેના કારણે પાઈપલાઈન ખવાઈ ગઈ હોવાનું જણાવાય છે. એક કારણ લાઈન જૂની હોવાનું જણાવાય છે. જોકે આમજનતા નંખાયેલ પાઈપની કવોલિટી, થયેલ કામ ઉપર પણ આંગળી ચીંધે છે.

વરસાદે સ્થિતિ બગાડી
ચોમાસામાં જ ડ્રેનેજ ડેમેજ થતા વરસાદે સ્થિતિ વધુ બગાડી છે. ડ્રેનેજનું કામ કરવામા પણ વરસાદ અવરોધ કરી રહ્યો છે. બીજુ કે વરસાદી પાણી વિજલપોરના રેલવે ગરનાળામાં ભરાતા ત્યાંથી વાહનોની અવરજવર બંધ થતા ટ્રાફિકની સમસ્યા વકરી છે.

મેગા ડેમેજ 18 લાખથી વધુનું પડશે
વિજલપોરની ડ્રેનેજમાં પડેલું મોટુ ભંગાણ પાલિકાને ખર્ચાળ પણ પડશે. 22થી વધુ મોટા પાઈપ નાંખવા ઉપરાંત લેબર ખર્ચ અને તમામ ખર્ચ મળી 18 લાખ રૂપિયાથી વધુ ખર્ચ થનાર હોવાનું પાલિકાના સૂત્રો મારફત જાણવા મળ્યું છે.

7-10 દિવસ કામ ચાલવાની ધારણા
20 વર્ષ જૂની ડ્રેનેજની લાઈનમાં પડેલા ભંગાણનું કામ શરૂ થઈ ગયું છે. 11 પાઈપ નંખાઈ ગયા છે, હજુ કામ જારી છે. અઠવાડિયા 10 દિવસમાં કામ પુરું કરી દેવાની ધારણા છે. વરસાદને લઈ વહેલું મોડુ થઈ શકે છે. - શશી પટેલ, ઈજનેર, વિજલપોર પાલિકા

4 July 2019

નવસારીના એપાર્ટમેન્ટમાં વોશિંગ મશીનમાં ધડાકો, ફાયર સેફ્ટીનો કરેલો સર્વે ફક્ત દેખાવ!


બુધવારે બપોરે આશાનગરના એક એપાર્ટમેન્ટના ૧૧મા માળે આવેલા ફ્લેટમાં અચાનક વોશીંગ મશીન ફાટવાનો બનાવ બન્યો હતો. મશીન ફાટતા આગ ફાટી નીકળી હતી. જેના કારણે એપાર્ટમેન્ટના રહીશો નીચે ઉતરી આવ્યા હતા. પાલિકાના ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં સદનસીબે જાનહાનિ ટળી હતી. ઉલ્લેખનીય છે કે, એપાર્ટમેન્ટમાં ફાયર સિસ્ટમ હોવા છતાં તે કામ કરતી ન હોવાથી આગને કાબુમાં લેવા માટે રહીશોએ પાલિકાની ફાયરની ટીમને બોલાવી પડી હતી.

આશાનગરના સનસાઇન એપાર્ટમેન્ટના ૧૧માં માળે હિરાક ભરતભાઇ ભરૂચાના ઘરે બુધવારે બપોરે વોશીંગ મશીન ફાટતા આગ લાગી હતી. જેના પગલે ઘરના સદસ્યો સહિત એપાર્ટમેન્ટના તમામ રહીશો નીચે ઉતરી આવ્યા હતા. આગ લાગતા જ  એપાર્ટમેન્ટના રહીશોએ પાવર સપ્લાય બંધ કરી દેતા મોટી હોનારત સર્જાઇ ન હતી.

ઘટનાને પગલે નવસારી પાલિકાના પ્રમુખ અને ચીફ એન્જીનીયર રાજુ ગુપ્તા સાથે જીઇબીના કર્મચારીઓ પણ પહોચી ગયા હતા. અને સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. જ્યાં સનસાઇન એપાર્ટમેન્ટમાં ફાયર સિસ્ટમ નકામી હોવાનું સામે આવ્યુ હતુ. સાથે તે એપાર્ટમેન્ટના વાયરો પણ ખુલ્લા મુક્યા હોવાનું નજરે પડ્યું હતું.

ફાયર સેફ્ટીનો કરેલો સર્વે ફક્ત દેખાવ!
સુરતના તક્ષશીલા અગ્નિકાંડમાં ૨૦થી વધુ બાળકોએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના બાદ નવસારી પાલિકાએ શહેરમાં ફાયર સેફ્ટી અંગે સર્વે કર્યો હતો. જ્યાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોય ત્યાં પાલિકાએ નોટીસ આપી હતી. પરંતુ આશાનગરના સનસાઇન એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટી સુવિધા હોવા છતાં તે કાર્યરત ન થતા ૧૧માં માળે વોશીંગ મશીન ફાટતા લાગેલી આગ પર કાબુ મેળવવા માટે નવસારી ફાયર ફાયટરને બોલાવી પડી હતી. ત્યારે નવસારી પાલિકાએ શહેરમાં ફાયર સેફ્ટીનો સર્વે કર્યો હતો તે શું ફ્કત દેખાવ હતો?

જનરેટર રૂમની બાજુમાં આઠ રાંધણ ગેસના સિલિન્ડર મળ્યા!
આ ઘટના બાદ ફાયરની ટીમે એપાર્ટમેન્ટમાં તપાસ કરતા એપાર્ટમેન્ટની નીચે આવેલા જનરેટર રૂમની બાજુમાંથી આઠ રાંધણ ગેસના સિલિન્ડર મળી આવ્યા હતા. જેને ત્યાંથી હટાવી લેવા માટે જણાવ્યું હતું. પરંતુ આ રાંધણ ગેસના સિલિન્ડર કોના હતા, શા માટે ત્યાં મુક્યા હતા તેની તપાસ ફાયર વિભાગે કરી ન હતી.